કમ્પાલાઃ એન્ટેબી એક્સપ્રેસવે પર ભાંગફોડ અને નુકસાન કરનારાઓ પાસેથી જંગી દંડ વસૂલ કરવામાં આવનાર છે. યુગાન્ડા નેશનલ રોડ્સ ઓથોરિટીએ જણાવ્યું છે કે ટેક્સપેયર્સના ભંડોળની જાળવણી અને માર્ગની તોડફોડનો સામનો કરવા સરકાર અપરાધીઓ પાસેથી શિલિંગ્સ 15 મિલિયનનો દંડ વસૂલ કરશે. રોડના નિર્માણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમારકામ પાછળ ભારે ખર્ચ થતો હોવાથી નિર્ણય લેવાયો છે. 49.6કિલોમીટરનો અને 479 મિલિયન ડોલર ( Shs8.4 બિલિયન)ના ખર્ચ સાથે ચાર લેનનો ટોલ રોડ એન્ટેબી એક્સપ્રેસવે ડિઝાઈન અને ફિનિશિંગમાં વિશ્વસ્તરીય છે. એન્ટેબી એક્સપ્રેસવે દેશના બે મહત્ત્વના શહેર કમ્પાલા અને એન્ટેબીને સાંકળે છે. આ એક્સપ્રેસવેનું નિર્માણ એક્ઝિમ બેન્ક ઓફ ચાઈના (73.58 ટકા) અને યુગાન્ડા સરકાર ( 26.4 ટકા)ના ભંડોળ સાથે ચાઈના કોમ્યુનિકેશન્સ કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ દ્વારા કરાયું છે.
મોઝામ્બિકમાં બોટ ઉંધી વળતાં 91નાં મોત
માપુટોઃ પૂર્વ આફ્રિકન દેશ મોઝામ્બિકમાં રવિવારે મોડી રાત્રે બોટ ડૂબી જવાની દુર્ઘટનામાં સંખ્યાબંધ બાળકો સહિત 91 લોકોનાં મોત થયાં હતાં. મૃત્યુઆંક વધવાની આશંકા છે. બીબીસીના અહેવાલ અનુસાર, ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા, જે એની ક્ષમતા કરતાં ઘણાં વધુ હતા. 5 લોકોને બચાવી લેવાયા હતા પરંતુ, હજુ ઘણા લોકો લાપતા છે.
આ લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. નામપુલા પ્રાંતમાં કોલેરાના રોગે ભરડો લીધો છે અને તેનાથી બચવા આ લોકો ત્યાંથી પલાયન કરી રહ્યા હતા.જાન્યુઆરી 2023થી દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં દૂષિત ખોરાક અને પાણીના કારણે આ રોગ ફેલાયો છે.સમયસર સારવારના અભાવે થોડા જ કલાકોમાં મૃત્યુ થઈ શકે છે. યુનિસેફના જણાવ્યા મુજબ, હાલમાં ફાટી નીકળેલો રોગચાળો 25 વર્ષમાં સૌથી ભયંકર છે. ઓક્ટોબર 2023થી મોઝામ્બિકમાં કોલેરાના 15,000 કેસ નોંધાયા છે અને 32 લોકોનાં મોત થયાં છે.
આફ્રિકામાં ચોથા ક્રમનું ઈન્વેસ્ટર યુએઈ
નાઈરોબી, કમ્પાલાઃ આફ્રિકા અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ) વચ્ચેના સંબંધો 2023માં ટોચે પહોંચ્યા હતા જ્યારે અબુ ધાબીએ આફ્રિકા ખંડમાં ક્લીન એનર્જી માટે 4.5 બિલિટન ડોલરના રોકાણોનું કમિટમેન્ટ જાહેર કર્યું હતું. અમિરાત દ્વારા 2012થી 2022ના દસકામાં કુલ 60 બિલિયન ડોલર રોકાણોનું કમિટમેન્ટ કરાયું તેની સાથે યુએઈ આફ્રિકામાં ચોથા ક્રમનું સૌથી મોટું ઈન્વેસ્ટર બની રહ્યું છે. ચીન, યુરોપ અને યુએસએ અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને છે. જોકે, આ રોકાણોનો વિસ્તાર વિવાદોથી પર રહ્યો નથી.
આફ્રિકામાં ગલ્ફ દેશોના રોકાણકારોમાં યુએઈ પ્રથમ સ્થાને રહે છે જેના પછી, સાઉદી અરેબિયા, કતાર અને કુવેત આવે છે. આફ્રિકન એન્ટ્રેપ્રીન્યોર્સનું આકર્ષણ પણ યુએઈ માટે વધી રહ્યું છે. આફ્રિકા ખંડની 21,000થી વધુ કંપનીઓ કાર્યરત થઈ છે.