નાઈરોબીઃ દુનિયાના અંત પહેલા ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં મળવા મૃત્યુ સુધી ભૂખ્યા રહેવાનો અનુયાયીઓને આદેશ આપનારા કેન્યાના પાદરી પોલ મેકેન્ઝી ન્થેન્ગે સાથે સંકળાયેલા શાકાહોલા જંગલ હત્યાકાંડમાં મૃતાંક 300ને પાર થઈ ગયો છે. વધુ શોધખોળ કરાઈ રહી છે ત્યારે હજુ આંકડો વધવાની સભાવના છે. સત્તાવાળાના જણાવ્યા મુજબ 600થી વધુ લોકો હજુ લાપતા છે. આ લોકોની શોધખોળનો વ્યાપ વધારી દેવાયો છે. રેસ્ક્યુ સેન્ટરમાં રખાયેલા આશરે 65 અનુયાયીઓએ 6થી 10 જૂનના ગાળામાં ખોરાક લેવાનો ઈનકાર કરતા તેમના વિરુદ્ધ આત્મહત્યાના પ્રયાસનો ગુનો લગાવી દેવાયો હતો. પાદરી પોલ મેકેન્ઝી ન્થેન્ગેએ એપ્રિલમાં શરણાગતિ સ્વીકારી હતી અને તેને જામીન અપાયા નથી.
કેન્યાના બજેટનો વિપક્ષ દ્વારા બહિષ્કાર
નાઈરોબીઃ કેન્યાના ટ્રેઝરી કેબિનેટ સેક્રેટરીએ 15 જૂને પાર્લામેન્ટમાં વર્ષ 2023/24 માટે પ્રેસિડેન્ટ વિલિયમ રુટો સરકારનું 3.6 ટ્રિલિયન શિલિંગ (25.7 બિલિયન ડોલર) નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. વિરોધ પક્ષોએ પાર્લામેન્ટમાં બજેટનો બહિષ્કાર કરતા કહ્યં હતું કે ટેક્સ વધારો દુકાળપીડિત કેન્યાવાસીઓના જીવનને વધુ મુશ્કેલ બનાવશે. સરકારી તિજોરીના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે સરકાર ફ્યૂલ અને ફૂડ સહિત પાયાની જરૂરિયાતોના સામાન પર ટેક્સ વધારીને તેમજ નવા ટેક્સ લાદીને 2.1 બિલિયન ડોલરની આવક મેળવવા અને દેશ પરનું દેવું ઘટાડવા માગે છે. કેન્યાનું જાહેર દેવું અંદાજે 70 બિલિયન ડોલર અથવા GDP ના 67 ટકા જેટલું છે. બુધવાર 14 જૂને ફાઈનાન્સ બિલ પાર્લામેન્ટના બીજા વાંચનમાં પસાર કરાયું હતું. ડેઈલી નેશનમાં પ્રસિદ્ધ ઓપિનિયન પોલ અનુસાર 90 ટકા કેન્યાવાસીઓ ફાઈનાન્સ બિલના વિરોધમાં છે.
યુગાન્ડાનો પ્રવાસ ન કરવા અમેરિકનોને સલાહ
કમ્પાલા, વોશિંગ્ટનઃ યુગાન્ડામાં વિશ્વમાં સૌથી કઠોર સજાતીયતાવિરોધી કાયદો અમલી બનાવાયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને યુગાન્ડાનો પ્રવાસ નહિ કરવા સલાહ આપી છે. યુગાન્ડાના ઈન્ફોર્મેશન મિનિસ્ટર ક્રિસ બાર્યોમુન્સીએ અમેરિકી સલાહને અપેક્ષિત ગણાવી હતી. અગાઉ, યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટે યુગાન્ડામાં આતંકવાદી હુમલાઓ અને ક્રાઈમ રેટને ધ્યાનમાં રાખીમ પોતાના નાગરિકોને યુગાન્ડાના પ્રવાસ અંગે વિચારવા ટ્રાવેલ એડવાઈસ આપેલી જ છે. નવી સલાહમાં જણાવાયું છે કે સજાતીયતાવિરોધી કાયદાના અમલ સાથે LGBTQI+ વ્યક્તિઓ તેમજ આવા મનાતા વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી અને આજીવન કેદ અથવા મોતની સજાનું જોખમ રહ્યું છે. LGBTQI+ લોકો સામે કટ્ટરવાદી જૂથો દ્વારા હેરાનગતિ કે હુમલાઓ પણ થઈ શકે છે.
અલ- શાબાબ બોમ્બિંગમાં 8 કેન્યન પોલીસના મોત
નાઈરોબીઃ સોમાલિયાની સરહદે પૂર્વ કેન્યાની ગેરિસ્સા કાઉન્ટીમાં બળવાખોર સંગઠન અલ-શાબાબ દ્વારા મંગળવાર 13 જૂનના બોમ્બ વિસ્ફોટમાં કેન્યાના વાહનમાં આઠ પોલીસ ઓફિસરના મોત થયા હતા. અલ-શાબાબ ગત 15 કરતાં વધુ વર્ષથી મોગાડીશુની સરકાર સામે બળવાખોરી કરી રહેલ છે અને હાલમાં સિક્યોરિટી ફોર્સીસ અને પેસેન્જર વાહનોને નિશાન બનાવે છે. થોડા દિવસ અગાઉ જ ઈથિયોપિયાના સરહદી ટાઉન ડોલોમાં આ જૂથના આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવાયો હતો. અલ-શાબાબ વિરુદ્ધ આફ્રિકન યુનિયન (AU) મિલિટરી ઓપરેશન્સમાં કેન્યા, યુગાન્ડા સહિતના દેશોએ પોતાના સૈનિક અને પોલીસમેન મોકલ્યા છે. સોમાલિયામાં AU થાણા પર 26 મેના અલ-શાબાબ હુમલામાં યુગાન્ડાના 54 શાંતિરક્ષકોએ જાન ગુમાવ્યા હતા.
નાઇજીરિયામાં પ્રવાસી જહાજ ડૂબતાં 108નાં મોત
અબુજાઃ નોર્થ-સેન્ટ્રલ નાઇજીરિયામાં ક્વારા પ્રોવિન્સની નાઇજર નદીમાં સોમવાર, 12 જૂનની મોટી દુર્ઘટનામાં પ્રવાસી જહાજ પલટી જતાં 108 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. મૃતકોમાં મુખ્યત્વે સ્ત્રીઓ અને તેમના બાળકોનો સમાવેશ થયો હતો. વધુમાં વધુ 200ની ક્ષમતા ધરાવતા લાકડાના જહાજમાં 250થી વધુ પ્રવાસી હતા. દુર્ઘટના સર્જાયા બાદ 144 લોકોને ડૂબતાં બચાવી લેવાયા હતા. ગુરુવાર, 15 જૂને શોધ અને બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી. લોકો મોડી રાત્રે લગ્નમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે જહાજ નદીમાં વૃક્ષના થડ સાથે અથડાઈને તૂટી ગયું હતું. આફ્રિકામાં સૌથી લાંબી નદીઓમાં એક નાઈજર નદીની લંબાઈ 4100 કિલોમીટર છે.