ડોડોમાઃ ટાન્ઝાનિયામાં 14 એપ્રિલ સુધીના ગત બે સપ્તાહમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછાં 58 લોકોએ જાન ગુમાવ્યા છે તેમજ 126,831 લોકોને પૂરની ગંભીર અસર થઈ છે. ઈસ્ટ આફ્રિકન દેશ ટાન્ઝાનિયામાં એપ્રિલ મહિનામાં વરસાદનું સૌથી વધુ જોર રહે છે. દેશના તટવર્તી અને મોરોગોરો વિસ્તારોમાં પૂરની ભારે અસરથી 75,000થી વધુ ખેતરોને નુકસાન પહોંચ્યું છે. પૂરગ્રસ્તોને ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો મોકલાઈ રહ્યો છે.
ઈસ્ટ આફ્રિકાના અન્ય દેશોમાં પણ ભારે પૂર અને વરસાદે કેર વર્તાવ્યો છે. પડોશી કેન્યામાં પૂરથી ઓછામાં ઓછાં 13 લોકોના મોતના અહેવાલ છે. ઉત્તર ટાન્ઝાનિયામાં ચાર મહિના અગાઉ જ ભારે વરસાદ અને તેનાથી જમીનો ધસી પડવાના કારણે 63 લોકો માર્યા ગયા હતા. ટાન્ઝાનિયા ભવિષ્યમાં પૂરની અસરોથી બચવા 14 બંધના નિર્માણની યોજના કરી રહ્યું છે.
કેન્યામાં 100 હડતાળિયા ડોક્ટર્સની છટણી
નાઈરોબીઃ કેન્યામાં એક મહિનાથી સારા વેતન અને કામકાજની સ્થિતિની માગ સાથે ડોક્ટર્સની દેશવ્યાપી હડતાળ ચાલી રહી છે ત્યારે નાઈરોબીમાં ધ કેન્યાટા યુનિવર્સિટી રેફરલ હોસ્પિટલે 100 હડતાળિયા ડોક્ટર્સની છટણી કરી તેમના સ્થાને નવા ડોક્ટર્સની ભરતી પણ કરી લીધી છે. બીજી તરફ, કેન્યન પ્રમુખ વિલિયમ રુટોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સાચી વાત એ છે કે હડતાળિયા ડોક્ટર્સને ચૂકવવા અમારી પાસે નાણા નથી. આપણે પગારો ચૂકવવા ઉધાર નાણા લઈ શકીએ નહિ. દરમિયાન ડોક્ટરોનું યુનિયન પોતાની માગણીઓ બાબતે મક્કમ છે. મંગળવાર 9 એપ્રિલે જ સેંકડો ડોક્ટરોએ વિરોધ દેખાવોમાં ભાગ લઈ પાર્લામેન્ટમાં પિટિશન રજૂ કરી હતી. કેન્યામાં પગાર અને કામકાજની સ્થ્તિ બાબતે ડોક્ટરોની આ પહેલી હડતાળ નથી. ડોક્ટરોએ 2017માં 100 દિવસની હડતાળ પાડી હતી. સરકાર સાથે પગારવધારાની સમજૂતી સાથે તેનો અંત આવ્યો હતો પરંતુ, તે પહેલા સારવારના અભાવે સંખ્યાબંધ લોકોના મોત થયા હતા. ડોક્ટરોનું કહેવું છે કે 2017ની સમજૂતીનો સરકારે અમલ કર્યો નથી.
કેન્યામાં મોડેર્નાનો વેક્સિન પ્લાન્ટ આખરે મુલતવી
નાઈરોબીઃ યુએસ ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ફર્મ મોડેર્નાએ કેન્યામાં mRNA ઉત્પાદન સુવિધાના નિર્માણના પ્રયાસો હાલ મુલતવી રાખ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર આફ્રિકામાં મહામારી પછી કોવિડ-19 વેક્સિન્સની માગ ઘટી છે અને કેન્યામાં ફેક્ટરી ઉભી કરવા માટે અપૂરતી છે. મોડેર્નાને 2022 પછી આફ્રિકા ખંડમાંથી વેક્સિનનાં કોઈ ઓર્ડર્સ મળ્યા નથી અને જૂના ઓર્ડર્સ પણ રદ થયા છે. જેના પરિણામે, કંપનીને નુકસાન અને માંડવાળીમાં એક બિલિયન ડોલરથી વધુ નુકસાન થયું છે. માર્ચ 2022માં તત્કાલીન પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાની હાજરીમાં કેન્યા અને યુએસ કંપની વચ્ચે સમજૂતી સધાઈ હતી અને મોડેર્નાએ આફ્રિકા માટે વાર્ષિક 500 મિલિયન વેક્સિન ડોઝ ઉત્પાદન કરવાની તૈયારી દર્શાવી હતી.
સીએરા લીયોનમાં ઝોમ્બી ડ્રગ્સના વ્યસનીઓનો ત્રાસ
ફ્રીટાઉનઃ પશ્ચિમ આફ્રિકન દેશ સીએરા લીયોનમાં માનવ હાડકાંમાંથી બનાવેલ સાયકોએક્ટિવ ડ્રગ વ્યસનીઓ નશો કરવા માટે કબરો ખોદી રહ્યા હોવાથી કટોકટી જાહેર કરવાની પડી છે અને ફ્રીટાઉનમાં પોલીસ કબ્રસ્તાનો પર પહેરો ભરી રહી છે. કુશ તરીકે ઓળખાતી આ ડ્રગ માનવ અસ્થિ સહિત વિવિધ પ્રકારના ઝેરી ઘટકોમાંથી બનાવાય છે. સીએરા લીયોનમાં છ વર્ષ અગાઉ સિન્થેટિક ડ્રગ કુશની શરૂઆત થઈ હતી અને આજે તે વ્યાપક સમસ્યા બની ગયેલ છે. ડ્રગ્સના ડીલરો આ માંગને પહોંચી વળવા કબરોમાંથી હાડકાં ચોરી રહ્યા છે. હાલ કુશ ડ્રગને કારણે થયેલી જાનહાનિનો સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી પરંતુ, ઝોમ્બી ડ્રગ્સના કારણે અવયવો નિષ્ફળ જવાથી સેંકડો વ્યસની યુવાનોના મોત થયા હોવાનું કહેવાય છે. 2020 થી 2023ના ગાળામાં કુશ સંબંધિત બીમારીને કારણે સીએરા લીયોન સાયકિયાટ્રીક હોસ્પિટલમાં પ્રવેશ મેળવનારની સંખ્યામાં 4000 ટકાનો વધારો થયો હતો.
CARમાં વેગનર અને યુએન દળો દ્વારા બળાત્કારો
બાન્ગુઈઃ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR)માં રશિયન ભાડૂતી લશ્કરી જૂથ વેગનર અને યુનાઈટેડ નેશન્સના શાંતિ દળોના જવાનો દ્વારા મોટા પાયે બળાત્કારો કરાયાના આક્ષેપોથી સનસનાટી મચી છે. યુએન અને પાર્ટનર્સના આંકડા મુજબ 2020માં બળાત્કાર ઘટનાની સંખ્યા 9200 હતી જે વધીને 25,500 થઈ છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં મુસ્લિમ બળવાખોરોએ સત્તા કબ્જે કરવા સાથે 2013થી આંતરયુદ્ધની પરિસ્થિતિ છે અને ક્રિશ્ચિયન જૂથોના લડવૈયાઓ વળતા પ્રહારો કરી રહ્યા છે. સમગ્ર દેશની પ્રજા સશસ્ત્ર દળોની દયા પર જીવી રહી છે. મર્સીનરીઝ સરકારમાં જોડાયેલા હોવાથી લોકોની ફરિયાદો પર કોઈ ધ્યાન અપાતું નથી. CARને આંતરરાષ્ટ્રીય ભંડોળ મળતું પણ બંધ થવા સાથે જાતિય હિંસાવિરોધી ચળવળને સમર્થન પણ બંધ થયું છે. માનવતાવાદી સહાય માટે 1.4 મિલિયન ડોલરની માગ સામે યુએન દ્વારા માત્ર 15 ટકા રકમ જ ફાળવાઈ છે.