નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો મે મહિનાની આખરમાં યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવાના છે ત્યારે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવાનું તેમને આમંત્રણ પાઠવાયું છે. હાઉસની ફોરેન એફેર્સ કમિટીના ચેરમેન માઈકલ મેક્કોલ અને રેન્કિંગ મેમ્બર ગ્રેગરી ડબલ્યુ મીક્સે હાઉસના સ્પીકરને પત્ર લખી સત્તાવાર આમંત્રણ પાઠવવા વિનંતી કરી હતી.
જો યુએસ પ્રેસિડેન્ટ બાઈડેન આમંત્રણ મોકલવા સહમત થશે તો વિલિયમ રુટો યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરનારા પ્રથમ કેન્યન પ્રમુખ અને 18 વર્ષ પછી લાઈબેરિયાના પ્રેસિડેન્ટ એલેન જ્હોન્સન સિરલીફના સંબોધન પછી પ્રથમ આફ્રિકન દેશના પ્રમુખ હશે. આ આમંત્રણ અમેરિકા અને કેન્યા વચ્ચે ગાઢ બની રહેલા સંબંધોનું મહત્ત્વ દર્શાવે છે.
નાઈજિરિયામાં સરકારી કામદારોનું વેતન વધારાયું
અબુજાઃ નાઈજિરિયન સરકારે મે ડેની ઉજવણી કરતા દેશમાં સરકારી કામદારોની એજ્યુકેશન, હેલ્થ અને સિક્યુરિટી સેક્ટર સહિત કેટલીક કેટેગરીઝમાં 25 અને 35 ટકાના વેતનવધારાની જાહેરાત કરી હતી. જાન્યુઆરી 2024થી અમલી કરાયેલી જાહેરાત મુજબ સૌથી ઓછું વેતન મેળવતા સરકારી કર્મચારીને વાર્ષિક 450,000 નાઈરા (323.97 ડોલર) અથવા માસિક 37,500 નાઈરાનું વેતન મળશે. હવે લઘુતમ વેતન વધારવા વાતચીત શરૂ થઈ છે.
પ્રેસિડેન્ટ બોલા અહેમદ ટિનુબુએ ગત વર્ષે હોદ્દો સંભાળ્યા પછી પેટ્રોલ પરની સબસિડીઓ દૂર કર્યા પછી નાઈજિરિયાના મજૂર સંગઠનોએ વેતન વધારવાનું આંદોલન શરૂ કર્યું હતું. આફ્રિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતા નાઈજિરિયામાં ફૂગાવો આસમાને પહોંચ્યો છે જે માર્ચ મહિનામાં 35 ટકા જેટલો હતો અને ત્રણ દાયકામાં સર્વોચ્ચ સપાટીએ હતો. દેશની કરન્સી નાઈરાનું મૂલ્ય ડોલરની સામે 60 ટકા ઘટી જવા સાથે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ વધુ ખરાબ થઈ છે. દેશમાં 2013થી લઘુતમ વેતન માસિક30,000 નાઈરાનું રહ્યું છે જેનું મૂલ્ય 20 ડોલરથી પણ ઓછું છે.
કેન્યામાં લઘુતમ વેતનમાં 6 ટકાનો વધારો કરાશે
નાઈરોબીઃ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશના વર્કર્સના લઘુતમ વેતનમાં 6 ટકાનો વધારો કરવાની પ્રક્રિયા શરૂ કરવા લેબર કેબિનેટ સેક્રેટરી ફ્લોરેન્સ બોરેને સૂચના આપી છે. ઉહુરુ ગાર્ડન્સ ખાતે લેબર ડે ઉજવણીમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે આ જાહેર કર્યું હતું. આ મુજબ હવે કમિટી રચાશે અને ચર્ચા પછી મિનિમમ વેજીસમાં ઓછામાં ઓછાં 6 ટકાની વેતનવૃદ્ધિ થાય તેવો નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાના શાસનમાં તળિયાના મજૂરવર્ગ માટે 2022માં લઘુતમ વેતનમાં 12 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે, 13500 કેન્યન શિલિંગ્સનું લઘુતમ વેતન વધીને 15,120 શિલિંગ્સ થયું હતું જેમાં નવો કોઈ વધારો થયો નથી. હવે વધારો થશે ત્યારે સૌથી ઓછું કમાતા કેન્યન વર્કરને માસિક 16,027 શિલિંગ્સનું વેતન પ્રાપ્ત થશે. જોકે, પ્રેસિડેન્ટ રુટોએ સ્પષ્ટ કર્યું હતું કે ઈન્ટર્ન ડોક્ટર્સની વેતનવૃદ્ધિની માંગ સ્વીકારાશે નહિ.