જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના જ્યોર્જેમાં 6 મેના રોજ પાંચ માળનું લક્ઝુરિયસ બિલ્ડિંગ તૂટી પડતાં બાંધકામ કરનારા 33 મજૂરના મોત થયા હતા અને હજુ 19 લોકો લાપતા છે. સાઉથ આફ્રિકન સરકારે આ સ્થળે બચાવના પ્રયાસોના અંતની જાહેરાત કરી છે. ઈમારતના કાટમાળમાંથી 29 લોકોને બચાવી લેવાયા હતા જેઓ સારવાર હેઠળ છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 6000 ટનથી વધુ કાટમાળ ખસેડાયો હતો. પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ અસરગ્રસ્તો- મૃતકો માટે વળતરની ખાતરી આપી હતી. અકસ્માતનું કારણ શોધવાની કામગીરી શરૂ કરાઈ છે અને દોષિતોનું ઉત્તરદાયિત્વ સ્થાપિત કરવાની જાહેરાત પણ પ્રમુખે કરી હતી.
કોંગોમાં બળવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો
કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના લશ્કરે બળવાના પ્રયાસને નિષ્ફળ બનાવવા સાથે બળવામાં સંકળાયેલા વિદેશી સહિત 3 વ્યક્તિના મોત થયા હતા. રાજધાની કિન્હાસામાં રવિવાર 19મેની વહેલી સવારે લશ્કરી ગણવેશમાં સજ્જ સશસ્ત્ર સૈનિકો અને એક રાજકારણીના ગાર્ડ્ઝ વચ્ચે ગોળીબારની રમઝટ જામી હતી. સશસ્ત્ર હુમલાખોરોએ ફેડરલ લેજિસ્લેટર અને નેશનલ એસેમ્બલીમાં સ્પીકરપદના ઉમેદવાર વિટાલ કામેરહેના નિવાસ પર હુમલો કર્યો હતો. બળવા તરીકે ગણાવાયેલી ઝપાઝપીમાં એક હુમલાખોર અને બે પોલીસ ઓફિસરના મોત થયા હતા. કેટલાક લોકોની ધરપકડ કરાઈ હતી જેમની પાસે અમેરિકી અને કેનેડિયન પાસપોર્ટ્સ હતા.
યુગાન્ડામાં IS ગ્રૂપનો બોમ્બ નિષ્ણાત ઝડપાયો
કમ્પાલાઃ યુગાન્ડાના લશ્કરે ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે સંકળાયેલા બળવાખોર જૂથ એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF) ના કમાન્ડર એનિવારી અલ ઈરાકને પૂર્વીય ડીઆરસીના જંગલોમાંથી રવિવારે ઝડપી લીધો હતો. આ જૂથ ભૂતકાળમાં વિનાશક હુમલાઓ કરવા માટે પંકાયેલું છે. યુગાન્ડા લશ્કરના ઓપરેશનમાં બાળકો સહિત નવ લોકોને બચાવી લેવાયા હતા. આ સ્થળેથી વિસ્ફોટકો બનાવવાની સામગ્રી પણ હાથ લાગી હતી. તાજેતરના વર્ષોમાં ADFના દ્વારા અસંખ્ય હુમલાઓમાં સેંકડો ગ્રામવાસીઓની હત્યા કરાયાના આરોપો લાગ્યા છે. ADFએ1990ના દાયકાથી કોન્ગોના જંગલોમાં આશરો લીધો છે અને 2019માં તે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયું હતું.