લાગોસઃ ઉત્તરપશ્ચિમ નાઈજિરિયામાં સૈનિક કાર્યવાહીમાં બોકો હરામ ઉગ્રવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા સેંકડો નાગરિકોને મુક્ત કરાવાયા હતા. મુખ્યત્વે બાળકો અને મહિલાઓ સહિતના લોકોને અપહરણ કર્યા પછી મહિનાઓ અને ઘણાને વર્ષો સુધી બંધનાવસ્થામાં રખાયા હતા. કટ્ટરવાદી જૂથના અડ્ડા બની રહેલા સામ્બિસા ફોરેસ્ટ વિસ્તારમાંથી 209 બાળકો, 135 મહિલા અને 6 પુરુષોને મુક્ત કરાવી સત્તાવાળાઓને સુપરત કરી દેવાયા છે.
નાઈજિરિયામાં ઈસ્લામિક શરીઆ કાયદો સ્થાપવાના હેતુસર જેહાદી બળવાખોરોએ 2009થી જેહાદ શરૂ કરી છે. બોકો હરામ કટ્ટરવાદીઓની હિંસાના કારણે ઓછામાં ઓછાં 35,000 લોકોના મોત થયા છે અને 2.1 મિલિયનથી વધુ લોકોને ફરજિયાત સ્થળાંતર કરવું પડ્યું છે. 2014થી નાઈજિરિયાની શાળાઓમાંથી ઓછામાં ઓછાં 1400 વિદ્યાર્થીના અપહરણ કરાયા હતા જેમાં બોકો હરામ દ્વારા બોરનો રાજ્યના ચિબોક ગામથી 276 વિદ્યાર્થિનીનાં અપહરણે ભારે સનસનાટી મચાવી હતી.
કેન્યામાં સોનાની ખાણ ધસી પડતાં 5ના મોત
નાઈરોબીઃ ઉત્તર કેન્યાના ડાબેલ વિસ્તારમાં શનિવાર 26 મેએ સોનાની ગેરકાયદે ખાણમાં જમીન ધસી પડવાથી ઓછામાં ઓછાં પાંચ ખાણિયાના મોત નીપજ્યા હતા. અન્ય કોઈ ખાણિયા મળી આવ્યા નથી અને કોઈના લાપતા થવાની પણ જાણકારી મળી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. માર્ચ મહિનામાં માઈનિંગ વિવાદમાં સાત લોકોના મોતના પગલે આ વિસ્તારને અશાંત જાહેર કરાયો હતો અને માઈનિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, પ્રતિબંધ છતાં, ગેરકાયદે ઉત્ખનન કામ ચાલુ રહ્યું હતું અને ખાણની ટનેલ્સ અત્યંત નબળી હોવાનું પણ જણાયું હતું.