વોશિંગ્ટન, કમ્પાલાઃ યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા યુગાન્ડા પાર્લામેન્ટના સ્પીકર અનિતા આમોન્ગ, તેમના વિધાયક પતિ મોસેસ માગોગો, યુગાન્ડાના લશ્કરી અધિકારી, પૂર્વ મિનિસ્ટર્સ સહિતના નેતા-અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને ગંભીર માનવાધિકાર દુરુપયોગ સંદર્ભે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પાર્લામેન્ટના સ્પીકર અનિતા આમોન્ગને તેમના નેશનલ એસેમ્બલીના સ્પીકર તરીકે કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારમાં નોંધપાત્ર સંડોવણી, યુગાન્ડા મિલિટરીના પૂર્વ ડેપ્યુટી ચીફ લેફ.જનરલ પીટર એલ્વેલુ સામે સરકારી દળો દ્વારા અન્યાયી હત્યાઓ, સરકારના ત્રણ પૂર્વ મિનિસ્ટર્સ સામે ગરીબ કોમ્યુનિટીઓ માટે ફાળવાયેલા રુફિંગ શીટ્સની ચોરી અને વેચાણના ભ્રષ્ટાચારી આરોપો બદલ 30 મેએ પ્રતિબંધ લદાયો હતો. યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના સાથી અને શાસક પક્ષના વરિષ્ઠ સભ્ય આમોન્ગ સંપત્તિના અપ્રમાણસરના સ્રોત તેમજ પાર્લામેન્ટરી રિસોર્સીસના ગુરુપયોગ સંદર્ભે ચર્ચામાં આવેલાં છે. યુકેએ પણ ગયા મહિને આમોન્ગ સામે પ્રતિબંધ જાહેર કર્યો હતો.
યુએસ પ્રવાસમાં ખાનગી જેટના ખર્ચમાં મિત્રોની મદદઃ રુટો
નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ યુએસના તાજેતરના પ્રવાસમાં ખાનગી જેટનો ઉપયોગ કર્યાનો બચાવ કરતા કહ્યું હતું કે આના ખર્ચમાં કેટલાક મિત્રોએ મદદ કરી હતી. રુટોએ જણાવ્યું હતું કે ખાનગી જેટનો ખર્ચ 10 મિલિયન શિલિંગ્સ (73,000 ડોલર) થયો હતો અને નેશનલ કેરિયર કેન્યા એરવેઝની સરખામણીએ સસ્તો હતો. યુએસ પ્રવાસનો ખર્ચ 1.5 મિલિયન ડોલર થયાના આક્ષેપને પ્રમુખ રુટોએ ફગાવી દેતા કહ્યું હતું કે તેઓ કરદાતાઓના નાણાને વેડફી શકે નહિ. રુટોના ત્રણ દિવસના અમેરિકા પ્રવાસમાં કેન્યાએ બિલિયન્સ ડોલર્સના મૂલ્યના ઈન્વેસ્ટમેન્ટ સોદાઓ હાંસલ કર્યા હતા.
મેગન મર્કેલના વસ્ત્રોની ભારે ટીકા
અબુજાઃ નાઈજિરિયાના ફર્સ્ટ લેડી સેનેટર ઓલુરેમી ટિનુબુએ મેગન મર્કેલની મુલાકાત પછી યુએસ સેલેબ્રિટીઝની સખત ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘અમે નગ્નતાને સ્વીકારતાં નથી.’ તેમણે નાઈજિરિયન સ્ત્રીઓ અને છોકરીઓને અમેરિકન ફિલ્મ સ્ટાર્સનું અનુકરણ નહિ કરવાની સલાહ પણ આપી હતી. તાજેતરમાં પ્રિન્સ હેરી અને મેગનની ખાનગી નાગરિકો તરીકે નાઈજિરિયાની મુલાકાત પછી મેગને જે વસ્ત્રોની પસંદગી કરી હતી તેની ભારે ટીકા 60 વર્ષીય ફર્સ્ટ લેડીએ કરી છે. ઉલ્લેખનીય છે કે મેગને તેનો વારસો 43 ટકા નાઈજિરિયન હોવાનું જણાવવાં સાથે નાઈજિરિયાને પોતાનો દેશ ગણાવ્યો હતો. ડચેસ ઓફ સસેક્સ મેગન અમેરિકન સીરિઝ સ્યૂટ્સની પૂર્વ સ્ટાર પણ હતી.
ઝામ્બીઆમાં દુકાળથી ભૂખમરાનું જોખમ
લુસાકાઃ ઝામ્બીઆ તીવ્ર દુકાળનો સામનો કરી રહેલ છે અને લાખો લોકોએ ભૂખ્યા રહેવું પડે તેવી પરિસ્થિતિ હોવાનું પર્યાવરણ મિનિસ્ટર કોલિન્સ એન્ઝેવુએ સ્પષ્ટ કર્યું છે. ક્લાઈમેટ ચેઈન્જના પરિણામે, લાંબા સમય સુધી વીજકાપ રહેશે, દેશના સામાજિક પોત અને અર્થતંત્રનો નાશ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ઝામ્બીઆમાં સામાન્યથી પણ ઓછો વરસાદ થયો છે અને મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ ગયો છે. મોટા ભાગના લોકો અસ્તિત્વ માટે ખેતી તેમજ મકાઈ જેવા પાક પર આધાર રાખે છે તેઓ ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોમાંથી આયાત પણ મુશ્કેલ બની છે કારણકે અનાજની નિકાસ કરતા દેશો સાઉથ આફ્રિકા અને ટાન્ઝાનિયા પણ દુકાળનો સામનો કરી રહ્યા છે. સામાન્ય પરિસ્થિતિમાં ઝામ્બીઆ પાસે અનાજનો જથ્થો વધુ રહે છે અને તેની નિકાસ પડાશી દેશો ઝિમ્બાબ્વે, માલાવી અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં કરવામાં આવે છે.