બામાકોઃ સેન્ટ્રલ માલીના બાન્ડિઆગારા ટાઉનના એક ગામમાં 1 જુલાઈ સોમવારની સાંજે લગ્નસમારંભ પર સશસ્ત્ર કટ્ટરવાદી જૂથે હુમલો કરી ઓછામાં ઓછાં 21 લોકોને મારી નાખ્યા હતા. મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ લગ્નની ઊજવણી કરી રહેલા ગામવાસીઓના ગળાં રહેંસી નાખ્યા હતા. કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ, અલ કાયદા સાથે સંકળાયેલું ઝનૂની JNIM ગ્રૂપ અવારનવાર આ વિસ્તારને લક્ષ્ય બનાવે છે. વેસ્ટ આફ્રિકન દેશ માલીના લશ્કરી શાસકો વધતી કટ્ટરવાદી હિંસાનો સામનો કરી રહ્યા છે. મધ્ય અને ઉત્તર માલીના સમુદાયો વિરુદ્ધ 2012થી હિંસાનો દોર ચાલી રહ્યો છે.
ટ્યુનિશિયામાં ઓક્ટોબરમાં ચૂંટણી
ટ્યુનિસઃ નોર્થ આફ્રિકન દેશ ટ્યુનિશિયામાં ઓક્ટોબરમાં પ્રમુખપદની ચૂંટણી થવાની છે. પ્રેસિડેન્ટ કાઈસ સઈદની ટર્મ 23 ઓક્ટોબરે સમાપ્ત થાય છે ત્યારે તેમણે 6 ઓક્ટોબરે ચૂંટણી કરાવવા જાહેરાત કરી હતી. તેઓ બીજી મુદત માટે ઉમેદવારી કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. પ્રેસિડેન્ટ સઈદે બંધારણમાં સુધારો કરી પ્રમુખને વ્યાપક સત્તાઓ આપી છે તે ધ્યાનમાં રાખતા તેઓ બીજી ટર્મ માટે ઉમેદવારી અવશ્ય કરશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. દેખાવો અને આર્થિક કટોકટીથી દેશ ગંભીર હાલતમાં હોવાનું જણાવી સઈદે બે વર્ષ અગાઉ પાર્લામેન્ટનું વિસર્જન કરી નાખ્યું છે અને વટહુકમોથી શાસન ચલાવે છે. સઈદના 40થી વધુ ટીકાકારો અને રાજકીય વિરોધીઓ હાલ જેલમાં છે. સઈદના રાજકીય વિરોધીઓને મુક્ત ન કરાય તો ચૂંટણીમાં ભાગ નહિ લેવા મુખ્ય વિપક્ષી ગઠબંધને જાહેર કર્યું છે.