જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની પાર્લામેન્ટના પૂર્વ સ્પીકર નોસિવી માપિસા-એનકાકુલા સામે ભ્રષ્ટાચાર અને મનીલોન્ડરિંગના આરોપોસર ખટલો ચલાવવામાં આવશે. મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા તેમને જણાવાયું હતું કે તેમનો કેસ ટ્રાયલ માટે પ્રીટોરીઆની હાઈ કોર્ટમાં તબદીલ કરાયો છે. હાઈ કોર્ટમાં 16 ઓક્ટોબરથી ટ્રાયલ શરૂ કરાશે. માપિસા-એનકાકુલા દેશના ડિફેન્સ મિનિસ્ટર હતા ત્યારે તેમણે ડિફેન્સ કોન્ટ્રાક્ટર પાસેથી 4.5 મિલિયન રેન્ડ લીધાનો આરોપ છે. એપ્રિલની શરૂઆતે તહોમતનામું રજૂ કરાયા પછી નેશનલ એસેમ્બલીના સ્પીકરપદેથી રાજીનામું આપી દેનારાં માપિસા-એનકાકુલાએ તમામ આરોપો નકાર્યાં હતાં.
યુગાન્ડાએ કોંગોના બળવાખોરોને સાથ આપ્યો
પેરિસ, કમ્પાલાઃ યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર યુગાન્ડાના લશ્કરે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના પૂર્વ વિસ્તારોમાં કાર્યરત M23 બળવાખોર જૂથને સપોર્ટ આપ્યો છે. જોકે, યુગાન્ડાએ તેની સંડોવણીને નકારી કહ્યું છે કે તેઓ કોંગોના સરકારી દળોને સહકાર આપી રહ્યા છે. ખનિજસમૃદ્ધ પૂર્વીય કોંગોના વિશાળ વિસ્તારો પર અવારનવાર કબજો મેળવનારા M23 જૂથને રવાન્ડા ટેકો આપી રહ્યું હોવાનો આક્ષેપ પણ યુએન દ્વારા કરાયો હતો જેને રવાન્ડાએ નકારી કાઢ્યો છે. કોંગો દાયકાઓથી સશસ્ત્ર સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. યુગાન્ડા અને રવાન્ડાએ સ્થાનિક મીલિશીઆ જૂથો સામે બચાવ તરીકે 1996 અને 1998માં આક્રમણો કર્યા હતા. કહેવાય છે કે ટુટ્સીના વડપણ હેઠળ M23 જૂથ કોંગોમાં નવેસરથી બંડખોરી કરાવી રહ્યું છે.
ઈસ્ટ આફ્રિકામાં અન્ન સુરક્ષાઃ $35 મિલિયન રોકાણ
નાઈરોબી, કમ્પાલાઃ કેન્યા અને યુગાન્ડામાં એગ્રીકલ્ચર અને ખાસ કરીને ડેરીપેદાશોનું ક્ષેત્ર અર્થતંત્ર માટે મહત્ત્વ ધરાવે છે. યુગાન્ડા અને કેન્યામાં 70 ટકાથી વધુ વસ્તી એગ્રીકલ્ચર સેક્ટરમાં કાર્યરત છે. યુગાન્ડામાં ડેરી સેક્ટરનું મૂલ્ય 3.8 બિલિયન ડોલરનું છે અને વર્ષે 106.2 મિલિયન ડોલરની આવક નિકાસોમાંથી મળે છે. યુગાન્ડાએ ઈસ્ટ આફ્રિકન ડેરી પ્રોસેસર પર્લ ડેરી ફાર્મ્સ માટે 35 મિલિયન ડોલરનું ડેટ ફાઈનાન્સિંગ રોકાણ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન અને નેધરલેન્ડ્સની કંપની પાસેથી મેળવ્યું છે. પર્લ ડેરી ફાર્મ્સના યુગાન્ડામાં પાવડર્ડ મિલ્ક પ્લાન્ટને કેન્યામાં પેકિંગ ફેસિલિટી હસ્તગત કરવામાં આનાથી સપોર્ટ મળશે. કેન્યા અને યુગાન્ડા તેમની ડેરી પેદાશોના બજારને સુધારી શકશે તેમજ આ ક્ષેત્રોમાં અન્ન સુરક્ષાને મજબૂત બનાવી શકશે.