નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ જાહેર કરેલી નવી કેબિનેટમાં મોટા ભાગના જૂના મંત્રીઓને સ્થાન અપાયું છે. પ્રેસિડેન્ટે યુવા દેખાવકારોને શાંત પાડવા ગત સપ્તાહે જ કેબિનેટ વિખેરી નાખી હતી. પ્રમુખે 11 મંત્રીઓ નિયુક્ત કર્યા હતા જેમાંથી 6 મંત્રી અગાઉની કેબિનેટમાં પણ હતા અને વધુ નિયુક્તિ ટુંક સમયમાં જાહેર કરાશે. જોકે, અગ્રણી દેખાવકારોએ નવી કેબિનેટને ફગાવી દીધી છે.
પ્રેસિડેન્ટ રુટોએ આંતરિક બાબતો, ડિફેન્સ,એન્વિરોન્મેન્ટ અને લેન્ડ્સ વિભાગના મિનિસ્ટર્સને પુનઃ નિયુક્ત કર્યા હતા જ્યારે અન્ય બે મિનિસ્ટરના પોર્ટફોલીઓ બદલ્યા હતા. આ સિવાય હેલ્થ, ઈન્ફોર્મેશન, એગ્રીકલ્ચર, વોટર અને એજ્યુકેશન વિભાગોના મંત્રીઓની રાજકીય પશ્ચાદભૂ નથી.
કેન્યાના બજેટમાં 1.9 ટકાનો ખર્ચકાપ
નાઈરોબીઃ કેન્યા તેના 2024-25ના બજેટમાં ખર્ચામાં 1.9 ટકાનો ઘટાડો કરી બજેટખાધ જીડીપીના 3.6 ટકા સુધી વિસ્તારવા માગે છે. ટેક્સવધારો પાછો ખેંચાયા પછી બજેટમાં 2.7 બિલિયન ડોલરની ખાધ ઉભી થઈ છે. પ્રમુખ રુટોએ ખાધ પૂરવા ખર્ચામાં કાપ અને વધારાનું કરજ લેવાની દરખાસ્ત મૂકી છે. સપ્લીમેન્ટરી બજેટમાં 3.87 ટ્રિલિયન કેન્યન શિલિંગ્સના કુલ ખર્ચની રૂપરેખા અંકાઈ છે જે અગાઉ, 3.99 ટ્રિલિયન કેન્યન શિલિંગ્સની હતી. રીકરન્ટ ખર્ચ 2.1 ટકા અને વિકાસખર્ચ 16.4 ટકા ઘટાડાશે. ટેક્સવધારો પરત લેવાયા પછી પણ ફ્યૂલ પ્રતિ લીટરની 18 શિલિંગ્સની રોડ મેન્ટેનન્સ લેવી વધારીને 25 શિલિંગ્સ રખાઈ છે.
આફ્રિકન એકીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા હાકલ
અક્રાઃ આફ્રિકન યુનિયનની બેઠક રવિવારે ઘાનાની રાજધાનીમાં યોજાઈ હતી જેમાં આફ્રિકન યુનિયનના એકીકરણની સમસ્યાઓ તેમજ G20 અને યુએન સાથે વાતચીતો અગાઉ એકસમાન વલણ સ્થાપવા સંબંધિત એજન્ડા રખાયો છે. આફ્રિકન યુનિયનના વર્તમાન ચેરપર્સન અને મૌરીટાનિઆના પ્રેસિડેન્ટ મોહમ્મદ ચેઈખ ગાઝૌનીએ આફ્રિકન એકીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે આફ્રિકન નાગરિકોની મહેચ્છા પરિપૂર્ણ કરવા અને આફ્રિકા ખંડને સપોર્ટ આપવા આર્થિક એકીકરણને ઝડપી બનાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આફ્રિકન યુનિયનના પ્રોજેક્ટ્સ મુખ્યત્વે બિનઆફ્રિકી પાર્ટનર્સ પર આધાર રાખે છે ત્યારે સંગઠન દ્વારા ભંડોળની વ્યવસ્થા સંબંધિત ચર્ચા પણ બેઠકમાં થઈ હતી.