જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (ANC)એ સોમવારે દેશના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાની સંસદીય ચૂંટણીમાં વિરોધી પાર્ટીને મદદ કરવા બદલ પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. આ નિર્ણય સામે અપીલ કરવા ઝૂમા પાસે 21 દિવસનો સમય છે. સામાન્ય ચૂંટણીમાં તેઓ ઉમખોન્ટો વી સેઝ્વે (MK) પાર્ટીને સમર્થન કરશે તેવી ઝૂમાએ કરેલી જાહેરાતના પગલે તેમને જાન્યુઆરીમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. તેઓ પાછળથી MKના મુખ્ય નેતા બન્યા હતા. સામાન્ય ચૂંટણીમાં MKને અપેક્ષાથી વિપરીત 15 ટકા વોટ મળ્યા હતા જે ANC માટે સૌપ્રથમ વખત બહુમતી ગુમાવવામાં કારણભૂત રહ્યા હતા. જેકોબ ઝૂમા 2009થી 2018ના ગાળામાં દેશના પ્રેસિડેન્ટ રહ્યા હતા
હરારે- લંડન ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરાશે
હરારેઃ ઝિમ્બાબ્વેથી યુકે સુધી ડાયરેક્ટ ફ્લાઈટ્સ ફરી શરૂ કરાવાના અણસાર છે. હજારો ઝિમ્બાબ્વેવાસીઓ યુરોપ જવા માટે સાઉથ આફ્રિકા, કેન્યા, દુબઈ અથવા ઈથિયોપિયા થઈને જાય છે. ડાયરેક્ટ ફ્લાઈટ્સ ફરી શરૂ કરાવાથી ઝિમ્બાબ્વેના નાગરિકોના ખર્ચમાં ઘટાડો થશે એટલું જ નહિ,ઝિમ્બાબ્વે કેન્દ્રમાં હોવાથી આસપાસના દેશોના પ્રવાસીઓને પણ લાભ થશે.
ઝિમ્બાબ્વેના ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મિનિસ્ટર ફેલિક્સ એમહોનાએ જાહેર કર્યું હતું કે એર ઝિમ્બાબ્વે 29 જુલાઈથી હરારેથી જોહાનિસબર્ગની ફ્લાઈટ્સ ફરી શરૂ કરી રહેલ છે અને હરારે - લંડન (ગેટવિક) ફ્લાઈટ પણ ટુંક સમયમાં શરૂ કરાશે. બીજી તરફ, યુગાન્ડા એરલાઈન્સે પણ હરારે સુધી નવી હવાઈસેવા શરૂ કરવા જાહેરાત કરી છે. ઝિમ્બાબ્વેની ઓપન સ્કાઈઝ પોલિસીથી સંભવિત રોકાણો અને ટુરિઝમને આવકાર મળી રહ્યો છે, બિઝનેસ, નવા વૈશ્વિક બજારો સુધી પહોંચ અને સાંસ્કૃતિક વિનિમયને વેગ મળી રહ્યો છે.
કેન્યામાં 4 વિપક્ષી નેતાને કેબિનેટમાં સ્થાન
નાઈરોબીઃ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ વ્યાપક સરકાર રચવા માટે તેમની નવી કેબિનેટમાં વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાની પાર્ટી ઓરેન્જ ડેમોક્રેટિક મૂવમેન્ટના ચાર નેતાને નોમિનેટ કર્યા છે. આ ચાર નેતાને પાર્લામેન્ટ દ્વારા બહાલી મળવી જરૂરી છે.
નવી કેબિનેટમાં વિપક્ષ ઓરેન્જ ડેમોક્રેટિક મૂવમેન્ટના ચાર નેતા હાસન જોહો, વીક્લીફ ઓપારાન્યા, જ્હોન મબાદી અને ઓપિયો વાન્ડાયીને કેબિનેટ સેક્રેટરી તરીકે નોમિનેટ કરવામાં આવ્યા મછે. આ નેતાઓ વિપક્ષના નેતા રાઈલા ઓડિન્ગાની નિકટ મનાય છે. જોકે, ઓડિન્ગાએ આની સામે ચેતવણી આપેલી છે. રુટોએ અગાઉ છ પૂર્વ મિનિસ્ટર સહિત 10 નેતાને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. ઓડિન્ગાએ નવી વ્યાપક સરકાર રચવા રુટો સાથે જોડાવાં લાંચ લીધી હોવાના આક્ષેપને નકારી દેખાવકારોને સપોર્ટ જાહેર કર્યો હતો.
નાઈજિરિયામાં કેન્યા સ્ટાઈલમાં વિરોધ સામે ચેતવણી
લાગોસઃ નાઈજિરિયામાં નબળા વહીવટ અને જીવનનિર્વાહ કટોકટીથી હતાશ નાગરિકોએ વિરોધ દર્શાવવા ઓનલાઈન સોશિયલ મીડિયાનો આશરો લીધો છે. આના પગલે દેશના પોલીસ વડા કાયોડે એજબેટોકૂમે કેન્યા સ્ટાઈલમાં વિરોધ કે દેખાવો સામે ચેતવણી આપી છે. નાઈજિરિયનોએ કેન્યામાં યુવાનો દ્વારા સફળ વિરોધની નોંધ લઈ પહેલી ઓગસ્ટથી ‘એન્ડ બેડ ગવર્નન્સ ઈન નાઈજિરિયા’ થીમ હેઠળ શાંતિપૂર્ણ દેખાવોની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાકલ કરી છે. પ્રેસિડેન્ટ બોલા ટિનુબુ સામે આ મોટો પડકાર બની શકે છે. વિરોધકારો પેટ્રોલ અને ઈલેક્ટિસિટીના ભાવવધારા પાછા ખેં ચવા, મફત શિક્ષણ, લોમેકર્સના વેતન જાહેર કરવા અને ફૂગાવા સામે લડત સહિતની માગણી કરી રહ્યા છે.
દેશના પોલીસ વડાએ ચેતવણી આપી છે કે દેખાવો કે વિરોધોની ખોટી સલાહોથી ભરમાશો નહિ. કેટલાક જૂથો તાજેતરના કેન્યા પ્રોટેસ્ટ્સનું પુનરાવર્તન કરવાના બહાના હેઠળ દેશામાં ત્રાસ ઉભો કરવા વિરોધકારોને હાથો બનાવવા માગે છે. પોલીસ શાંત બેસી રહી હિંસાને જોઈ રહેશે નહિ. અગાઉ નાઈજિરિયામાં ઓક્ટોબર 2020માં સૌથી મોટા દેખાવ કરાયા હતા જે હિંસામાં ફેરવાયા હતા.
કેન્યામાં સરકારતરફી અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ
નાઈરોબીઃ કેન્યામાં સરકારતરફી અને વિરોધીઓ વચ્ચે નવું ઘર્ષણ શરૂ થયું છે. સરકારવિરોધી દેખાવોની અગાઉ જ પ્રેસિડેન્ટ રુટોની તરફેણ કરી રહેલા જૂથના સભ્યોએ મંગળવાર 23 જુલાઈએ નાઈરોબીમાં મોટરસાઈકલ રેલી કાઢી હતી. વિરોધી જૂથે કેટલીક મોટરસાઈકલને આગ લગાવી હતી. કેન્યામાં સરકારવિરોધી દેખાવો પાંચમાં સપ્તાહમાં પ્રવેશ્યા છે.
સરકારવિરોધી દેખાવકાર જૂથે કેન્યાના મુખ્ય એરપોર્ટ તરફ જતા હાઈવે પર ઈમારા ડાઈમા પરાંવિસ્તારમાં બોનફાયર્સ જલાવી હતી. દેખાવકારોએ એરપોર્ટ તરફ જતા અન્ય માર્ગમાં અવરોધ સર્જતા પોલીસે દેખાવકારો સામે ટીઅરગેસના કેનિસ્ટર્સ ફેંક્યા હતા.