નાઈરોબીઃ કેન્યાના સાંસદોએ ફ્યૂલ પર લગાવાતા VATને બમણો કરી 16 ટકા કરવાને મંજૂરી આપી છે જેના પરિણામે જીવનનિર્વાહ ખર્ચમાં ભારે વધારો થવાની આશંકા છે. બુધવાર 21 જૂને શાસક ગઠબંધનના 184 સાંસદોએ નવા ફાઈનાન્સ બિલમાં આ દરખાતની તરફેણ કરી હતી જ્યારે 88 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. સરકાર તેનું દેવું ઘટાડવા વધારાના ટેક્સ મારફત 50 બિલિયન કેન્યન શિલિંગ્સ (279 મિલિ. પાઉન્ડ) ઉભા કરવા માગે છે.
સરકારે ટેક્સ વધારવાના પગલાનો બચાવ કર્યો હતો જ્યારે વિરોધપક્ષોએ ફ્યૂલ ટેક્સની જોગવાઈના નિર્ણયને દેશના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવ્યો હતો. કેન્યાની પાર્લામેન્ટ વિવાદિત ફાઈનાન્સ બિલમાં નવી દરખાસ્તો, ચર્ચા અને તેના પર મતદાનોને આગળ વધારી રહી છે. ફ્યૂલ ટેક્સ ઉપરાંત, પગારદાર વર્કર્સ દ્વારા હાઉસિંગ ફંડ લેવીની ચૂકવણી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ માટેના ટેક્સ અને સૌંદર્યપ્રસાધનો પર ટેક્સ સહિત વિવિધ વિવાદાસ્પદ દરખાસ્તો મૂકાઈ છે.
મિનિસ્ટરે પત્રકારોને ‘વેશ્યાઓ’ ગણાવતા વિરોધનો વંટોળ
નાઈરોબીઃ કેન્યાના કોમર્સ મિનિસ્ટર મોસેસ કોરિઆએ 21 જૂન બુધવારે જાહેરમાં મીડિયા ગ્રૂપને વિપક્ષો માટે કામ કરવાનો આક્ષેપ લગાવી તેના જર્નાલિસ્ટ્સને ‘પ્રોસ્ટિટ્યૂટ્સ’ કહેતા વિરોધનો વંટોળ જાગ્યો હતો. વિરોધપક્ષો અને જર્નાલિસ્ટોના એસોસિયેશનોએ મિનિસ્ટર કોરિઆના બહિષ્કારની હાકલ કરી હતી. મિનિસ્ટર કોરિઆએ સ્વાહિલી ભાષામાં ટ્વીટ કરી આગા ખાનની માલિકીના અને ઈસ્ટ આફ્રિકામાં સૌથી મોટા મીડિયા ગ્રૂપ્સમાં એક નેશન મીડિયા ગ્રૂપ (NMG) વિરુદ્ધ પ્રહાર કર્યા હતા અને તેના પત્રકારોનો ‘આગા ખાનની વેશ્યાઓ’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ મીડિયા ગ્રૂપ સાથે કામ કરનારા કોઈ પણ સરકારી અધિકારીની હકાલપટ્ટી કરવાની પણ ધમકી આપી હતી. NMGની માલિકીની ટેલિવિઝન ચેનલમાં કોરિઆની મિનિસ્ટ્રીમાં આયાતનું સંભવિત કૌભાંડ ચાલતું હોવાનો રિપોર્ટ જાહેર કરાયા પછી મિનિસ્ટરની આ ટીકાઓ આવી પડી હતી.
યુગાન્ડાની શાળા પર હુમલા અંગે 20ની ધરપકડ
કમ્પાલાઃ યુગાન્ડા-કોંગોની સરહદે લુબિરિરા સેકન્ડરી સ્કૂલ પર 16 જૂન, શુક્રવારની રાત્રે ADF બળવાખોરો દ્વારા કરાયેલા હુમલા સંદર્ભે હેડ માસ્ટર, ડાયરેક્ટર સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુગાન્ડાની મિલિટરીએ બળવાખોરો દ્વારા અપહરણ કરાયેલા ત્રણ વિદ્યાર્થી તેમજ એક મહિલા અને બે બાળકને કોંગોના વિરુન્ગા નેશનલ પાર્કમાંથી મુક્ત કરાવ્યા હતા.આ હુમલામાં 37 વિદ્યાર્થી સહિત 42ની હત્યા કરાઈ હતી તેમજ કેટલાકનું અપહરણ કરાયું હતું. લશ્કરી કાર્યવાહીમાં બે બળવાખોર માર્યા ગયા હતા. પોલીસ પ્રવક્તા જણાવ્યું હતું કે પોલીસે તપાસના ભાગરુપે 20 લોકોની પૂછપરછ માટ ધરપકડ કરી હતી. હુમલા પહેલા બળવાખોરોએ બે દિવસ આ વિસ્તારમાં ગાળ્યા હતા અને તેમને કેટલાક સ્થાનિકોએ મદદ કરી હોવાની પણ શંકા છે. ફર્સ્ટ લેડી અને એજ્યુકેશન મિનિસ્ટર જેનેટ કાટાહા મુસેવેનીએ શનિવારે જણાવ્યું હતું ક શાળાની માલિકીનો દાવો કરતા હરીફોએ માણસો રોકીને હુમલો કરાવ્યો હોવાની પણ શંકા છે.
કેન્યા ટિકટોકના ઉપયોગમાં વિશ્વભરમાં મોખરે
નાઈરોબીઃ વિશ્વમાં કેન્યાવાસીઓ ટિકટોકનો સૌથી વધુ ઉપયોગ કરતા હોવાનું રોઈટર્સ ઈન્સ્ટિટ્યૂટ ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ 2023ના સર્વેમાં જણાવાયું છે. રિપોર્ટ મુજબ ઈસ્ટ આફ્રિકન દેશ કેન્યામાં કોઈ પણ હેતુસર 54 ટકા ઉપયોગ કરાય છે જ્યારે ન્યૂઝ માટે 29 ટકા તેનો ઉપયોગ કરે છે. થાઈલેન્ડ બીજા ક્રમે અને સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને આવે છે જ્યાં 50 ટકા લોકો સામાન્ય ઉપયોગ માટે અને 22 ટકા લોકો ન્યૂઝ માટે કરે છે. ટિકટોક ખાસ કરીને યુવાવર્ગમાં ન્યૂઝ માટે વધુ લોકપ્રિય બની રહ્યું છે. લાંબા સમયથી મોખરાનું સ્થાન ધરાવતું ફેસબૂક ધીરે ધીરે વર્ચસ્વ ગુમાવી રહ્યું છે. જોકે, મીડિયા કંપનીઓની સરખામણી ટિકટોક, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટના વપરાશકારો સેલેબ્રિટિઝ અને સોશિયલ ઈન્ફ્લુઅન્સર્સ પર વધુ ધ્યાન આપે છે. વિકાસની દૃષ્ટિએ ટિકટોક સૌથી ઝડપે આગળ વધતું સોશિયલ નેટવર્ક છે જના વપરાશકારો 44 ટકા છે અને 18થી 24 વયજૂથમાં તે લોકપ્રિય છે.
રોલ્સ-રોયસની ઈસ્ટ આફ્રિકામાં પ્રથમ ઓફિસ
નાઈરોબીઃ રિન્યુએબલ સોર્સીસમાથી વીજળી પેદા કરવા અને લોકોમોટિવ્ઝ અને જહાજોને શક્તિ પૂરી પાડવાના એન્જિન્સની માગમાં વધારો થવા સાથે યુકેની વિશ્વપ્રસિદ્ધ એન્જિનીઅરીંગ ફર્મ રોલ્સ-રોયસ હોલ્ડિંગ્સ પીએલસી દ્વારા ઈસ્ટ આફ્રિકામાં પ્રથમ ઓફિસ ખોલવામાં આવી છે જે કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. આફ્રિકાના સૌથી મોટા અર્થતંત્રમાં રોલ્સ-રોયસના બિઝનેસને ભારે સફળતા મળી છે જ્યાં ત્રણ વર્ષમાં તેનો બજારહિસ્સો બમણો થયો છે. કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયાની કુલ વસ્તી 174 મિલિયનથી વધુ છે અને આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકાનો છે. લોકોમોટિવ્ઝને પાવર આપવા એન્જિનો બાબતે રોલ્સ-રોયસ અને કેન્યા રેલવેઝ કોર્પોરેશન સાથે વાતચીત ચાલી રહી છે.
કેન્યા હત્યાકાંડના શકમંદનું ભૂખ હડતાળમાં મોત
નાઈરોબીઃ કેન્યામાં સંપ્રદાયના 336 અનુયાયીઓના ભૂખથી સામૂહિક મોતના સંદર્ભે અટકમાં લેવાયેલા પાદરી પોલ મેકેન્ઝી સહિત 30 શકમંદોમાંથી એક જોસેફ જુમા બુયુકાનું પોલીસ કસ્ટડીમાં ભૂખ હડતાળમાં મોત નીપજ્યું હતું. કેન્યામાં હત્યાકાંડ અંગે ક્રિમિનલ તપાસ ચાલી રહી છે અને તટવર્તી નગર માલિન્ડીની બહાર 800 એકરમાં ફેલાયેલાં શાકાહોલા જંગલમાં મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શકમંદોને 60 કરતાં વધુ દિવસથી કસ્ટડીમાં રખાયા છે. મેકેન્ઝીના કેટલાક અનુયાયીઓ કસ્ટડીમાં 10 દિવસની ભૂખ હડતાળ પર હતા. અન્ય બે શકમંદને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમની હાલત ગંભીર હોવાનું મોમ્બાસા કોર્ટ સમક્ષ કહેવાયું હતું.