નાઈરોબી, ડોડોમાઃ પર્યાવરણપ્રેમીઓએ કેન્યા સાથે સંયુક્ત સરહદે આવેલા વિશાળ વાઈલ્ડલાઈફ ક્ષેત્રમાં હાથીના શિકારનો અંત લાવવા ટાન્ઝાનિયા સરકારને અનુરોધ કર્યો છે. વિશાળ દાંત સાથે હાથીઓ સુપર ટસ્કર સહિત આશરે 2000 હાથી આ રિઝર્વ એરિયામાં વસે છે. સુપર ટ્સ્કરની સંખ્યા માત્ર 10 જેટલી રહી છે જેના એક દાંતનું વજન 45 કિલોગ્રામ જેટલું હોય છે. કેન્યા તરફે નેશનલ પાર્કમાં હાથીના શિકાર પર પ્રતિબંધ છે જ્યારે ટાન્ઝાનિયા વાઈલ્ડલાઈફ એરિયામાં હાથીના સ્પોર્ટ શિકાર માટે પરવાનગી અપાય છે. આફ્રિકાના 50થી વધુ વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સંગઠનોએ કરેલી પિટિશનમાં 500,000 જેટલી સહીઓ કરાઈ છે.
ટાન્ઝાનિયામાં ગેંગ રેપના વિડિયોથી ઉગ્ર રોષ
ટાન્ઝાનિયા સત્તાવાળાએ સામૂહિક બળાત્કારની ઘટનાનો વિડિયો વાઈરલ થવા સાથે તેમાં તપાસ શરૂ કરી છે. રવિવારે ઓનલાઈન પ્રસારિત કરાયેલા ગેંગ રેપના વિડિયોથી સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિક મીડીઆએ આ સંદર્ભે કેટલાક લોકોની ધરપકડ કરાઈ હોવાનું પણ જણાવ્યું છે.જોકે, પોલીસ દ્વારા તેને સમર્થન અપાયું નથી.
મિસ સાઉથ આફ્રિકા સ્પર્ધામાં વિવાદનો વંટોળ
સાઉથ આફ્રિકાની રાષ્ટ્રીય સૌંદર્યસ્પર્ધા વિવાદમાં સપડાઈ છે, ફાઈનાલિસ્ટ ચિડિમ્મા આડેટશિનાની માતાએ ફ્રોડનો આક્ષેપ કર્યા પછી સરકારે પણ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને ચિડિમ્માની માતાએ સાઉથ આફ્રિકન ઓળખની ચોરી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જુલાઈમાં ચિડિમ્મા મિસ સાઉથ આફ્રિકામાં ફાઈનાલિસ્ટ જાહેર કરાયા પછી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ નાઈજિરિયન હેરિટેજના આક્ષેપો થતાં રહ્યાં છે.
નાઈજિરિયામાં રશિયન ધ્વજ ફરકાવતા 7ની ધરપકડ
નાઈજિરિયાના કાનો રાજ્યમાં સરકારવિરોધી દેખાવોમાં રશિયન ધ્વજો લહેરાવવા બદલ સાત પોલીશ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. નાઈજિરિયા સરકાર વિરોધી દેખાવોમાં રશિયાના વધતા પ્રભાવથી ચિંતિત છે. હજારો નાઈજિરિયન નાગરિકો પહેલી ઓગસ્ટથી પ્રેસિડેન્ટ બોલા ટિનુબુના પેટ્રોલ અને વીજળી સંબસિડીના અંશતઃ અંત, ચલણી અવમૂલ્યન સહિત આર્થિક સુધારાઓનો વિરોધ કરી રહ્યા છે