નાઈરોબીઃ પશ્ચિમ કેન્યામાં શુક્રવાર 30 જૂનની સાંજે કેરીચો અને નાકુરુ શહેર વચ્ચે હાઈવે પર લોન્ડિઆની ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 51 લોકોના મોત ઉપરાંત, 32થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શિપિંગ કન્ટેનરને લઈ જતા ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઠ વાહનો, અનેક મોટરસાઈકલ્સ, ફેરિયાઓ અને રાહદારીઓ સહિત અન્ય લોકોને કચડી નાંખ્યા હતા. રાજધાની નાઈરોબીથી 200 કિલોમીટરના અંતરે અકસ્માતમાં રાહત કામગીરીમાં કાટમાળમાં મૃતદેહો શોધવા કવાયત હાથ ધરાઈ હતી. હોસ્પિટલોમાં ભરતી કરાયેલા 32 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે તેથી મૃત્યુઆંક વધી શકે છે.
નાઈરોબી સિટી મેરેથોનના પ્રાઈઝ મનીમાં ઘટાડો
નાઈરોબીઃ રવિવાર 2 જુલાઈએ યોજાનારી પુરુષ અને સ્ત્રીઓ માટે 42 કિલોમીટરની નાઈરોબી સિટી મેરેથોનના પ્રથમ ક્રમના પ્રાઈઝ મનીમાં Ksh 2.5 મિલિયનનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી વધુ વિજેતાઓને ઈનામ આપી શકાય. હાલ પ્રથમ વિજેતાને Ksh 6 મિલિયનની રકમ અપાય છે તેના બદલે Ksh 3.5 મિલિયન અપાશે. બીજા અને ત્રીજા ક્રમના વિજેતાને અનુક્રમે Ksh 2.25 મિલિયન અને Ksh 1.5 મિલિયનની રકમ મળશે. આ રીતે છેલ્લા 20મા ક્રમના વિજેતાને Ksh 30,000ની રકમ મળશે. આ રીતે સૌપ્રથમ વખત 20મા ક્રમના વિજેતા સુધીના એથ્લીટ્સને ઈનામી રકમ આપી શકાશે. હાફ મેરેથોનના પ્રથમ વિજેતાને Ksh 150,000 તેમજ રનર અપ અને ત્રીજા ક્રમના વિજેતાને અનુક્રમે Ksh 80,000 અને Ksh 50,000ની રકમના પ્રાઈઝ મની મળશે. બીજી તરફ, 10 કિલોમીટરની શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમના વિજતાઓને અનુક્રમે Ksh 100,000, Ksh 50,000 અને Ksh 40,000 ની રકમ પ્રાપ્ત થશે. આ મેરેથોન દોડમાં કુલ 10,000 જેટલા સ્પર્ધકો ભાગ લેવાની આશા છે અને બુધવાર 28 જૂન સુધીમાં 8,800થી વધુ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
સાઉથ આફ્રિકામાં ઝિમ્બાબ્વેના નાગરિકોને સ્પેશિલ પરમીટ યથાવત્
કેપટાઉનઃ સાઉથ આફ્રિકાની કોર્ટ ઝિમ્બાબ્વેના આશરે 180,000નાગરિકોને દેશમાં રહેવા અને કામ કરવાની સ્પેશિયલ પરમીટ રદ કરવાના સરકારના આદેશને ફગાવી નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. ઝિમ્બાબ્વેવાસીઓને રેગ્યુલર વર્ક વિઝા ન મેળવે તો તેમના બાળકો સાઉથ આફ્રિકામાં જન્મ્યાં હોય અને સાઉથ આફ્રિકન નાગરિક હોય તેમ છતાં, તેમને ઝિમ્બાબ્વે પરત જવાની ફરજ પાડવા સરકારે નિર્ણય લીધો હતો.
પ્રીટોરિઆની ગાઉટેન્ગ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે પડોશી ઝિમ્બાબ્વેના નાગરિકોને ખાસ છૂટછાટનો અંત લાવવાનો 2022નો નિર્ણય પરામર્શની યોગ્ય પ્રક્રિયા હાથ ન ધરાવાના કારણે ‘ગેરકાયદે’ અને ગેરબંધારણીય’ હતો. હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝિમ્બાબ્વે એક્ઝેમ્પ્શન પરમીટ સિસ્ટમનો આખરી દિવસ આ વર્ષની 30 જૂન જાહેર કરાયો હતો. જોકે, કોર્ટના ચુકાદા પછી તેમાં એક વર્ષનો એટલે કે આગામી વર્ષની 28 જૂન સુધીનો વધારો થયો છે. ઝિમ્બાબ્વેમાં ખરાબ આર્થિક હાલતથી ત્રસ્ત નાગરિકોના માઈગ્રેશનમાં ભારે ઉછાળો આવ્યા પછી સાઉથ આફ્રિકન સરકારે 2010માં જાહેર કરેલી ખાસ યોજના હેઠળ આશરે 178,000 ઝિમ્બાબ્વેવાસી સાઉથ આફ્રિકામાં રહે છે.
ટાન્ઝાનિયામાં દાયકાઓ પછી રાત્રિ બસપ્રવાસ ફરી શરૂ
દારેસલામઃ ટાન્ઝાનિયામાં 1990ના દાયકામાં રાત્રિ બસપ્રવાસ પર લગાવાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. પ્રાઈમ મિનિસ્ટર કાસિમ માજાલિવાએ નાગરિકો માટે સલામત અને વધુ કાર્યક્ષમ પ્રવાસ વિકલ્પો આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નિર્ણયની જાહેરાત કરી હતી. માર્ગ અકસ્માતો અને બસ હાઈજેકિંગ ઘટનાઓમાં વધારો થવાના કારણોસર આ પ્રતિબંધ લદાયો હતો. સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તેમજ ટ્રાન્સપોર્ટ સેક્ટરના વિવિધ હિસ્સેદારો તરફની સૂચનો પર વિચારણા બાદ આ પગલું લેવાયું છે.
યુગાન્ડા ઓઈલ પ્રોજેક્ટ્સ મુદ્દે કાનૂની દાવાઓ
કમ્પાલાઃ યુગાન્ડાના સંરક્ષિત કુદરતી અભયારણ્યોમાં આવેલા તેલક્ષેત્રોમાંથી ઓઈલ કાઢી ટાન્ઝાનિયાના બંદર સુધી પહોંચાડવા 1500 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવા સહિતના પ્રોજેક્ટસમાં ફ્રાન્સની ઓઈલ કંપની ટોટલએનર્જીસ દ્વારા કરાયેલા માનવાધિકાર ઉલ્લંઘનો અને શોષણ સંબંધે જંગી વળતર ઈચ્છતા કાનૂની દાવાઓ 26 યુગાન્ડાવાસી દ્વારા ફ્રાન્સનાં પેરિસની કોર્ટમાં કરવામાં આવ્યા છે. ટોટલએનર્જીસ દ્વારા ઈસ્ટ આફ્રિકન ક્રુડ ઓઈલ પાઈપલાઈન (EACOP) અને ટિલેન્ગા ક્ષેત્રમાં 419 તેલકૂવામાં તેલની શોધના બે પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા. સ્થાનિક પર્યાવરણ હિમાયતીઓ અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સના કારણે જંગલોનો ખાત્મો બોલાવ્યાના પરિણામે, આશરે 4000 લોકોને અસર પહોંચી છે. વિશ્વની 30થી વધુ નાણાકીય સંસ્થાએ આ પ્રોજેક્ટ્સને સપોર્ટ નહિ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.