આકરાઃ ઘાનાના પ્રથમ વડા પ્રધાન અને પ્રેસિડેન્ટ ઓસાગ્યેફો ડો. ક્વામે નક્રુમાહને સમર્પિત મકબરા અને મેમોરિયલ પાર્કને નવસજાવટ સાથે ખુલ્લા મૂકાયા છે. રાજધાની આકરાની મધ્યમાં સ્વપ્નસેવી નેતાનો આ પ્રતિષ્ઠિત મકબરો રાષ્ટ્રીય ગૌરવ અને ઐતિહાસિક મહત્ત્વનું પ્રતીક છે. નવી ડિઝાઈનના સ્થાપત્ય સાથે નવનિર્મિત ડો. ક્વામે નક્રુમાહ મકબરાની અંદર મુલાકાતીઓ તેમના જીવન, સિદ્ધિઓ અને કાર્યોની ઝાંખી ઉપરાંત, ઘાનાના સમૃદ્ધ ઈતિહાસનું જ્ઞાન પણ મેળવી શકશે. ઘાનાની આઝાદીની ચળવળમાં તેમનું યોગદાન અપ્રતિમ રહ્યું હતું. આ મકબરાને નિહાળવા દેશવિદેશથી પર્યટકો આવી રહ્યા છે.
પુત્રની દફનવિધિમાં પિતાનો ગોળીબારઃ 13ના મોત
ગોમાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ( DRC)ના પૂર્વીય ઇતુટી પ્રોવિન્સમાં ગોળીબારની ઘટનામાં 9 બાળકો સહિત 13 ના મોત થયાં હતાં. લેક આલ્બર્ટરના કિનારે ન્યાકોવા ગામમાં શનિવાર 22 જુલાઈએ એક સૈનિકના બાળકની અંતિમવિધિમાં શોક વ્યક્ત કરવા એકત્ર લોકો પર તેણે આડેધડ ગોળીઓ ચલાવતા 9 બાળકો સહિત ઓછામાં ઓછાં 13 વ્યક્તિ માર્યા ગયા હતા. મૃતકોમાં આ સૈનિકના બે બાળકોનો પણ સમાવેશ થયો હતો. ગોળીબારનું ખરૂં કારણ બહાર આવ્યું નથી પરંતુ, આર્મી અને સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર કોંગોના નૌકાદળના સૈનિકને તેની ગેરહાજરીમાં જ મૃત બાળકને દફન કરી દેવાશે તેવો ડર હોવાનું કહેવાય છે. તપાસ ટુકડી ફરાર સૈનિકને શોધી રહી છે. સૈનિકનું પોસ્ટિંગ ન્યાકોવા ગામથી 55 કિ.મી.ના અંતરે અન્ય ગામમાં હતું અને તે આવી પહોંચે તે પહેલા જ બાળકને દફનાવી દેવાયો હતો.
આફ્રિકી દેશોને અનાજ પુરવઠાની રશિયાની હેયાધારણ
નાઈરોબીઃ યુક્રેન સાથે અનાજની સમજૂતીમાંથી પાછા હઠવા રશિયાની જાહેરાત પછી આફ્રિકન દેશોને પડનારી મુશ્કેલી બાબતે રશિયાએ આ જરૂરિયાતમંદ દેશોને અનાજનો પુરવઠો મળતો રહેશે તેવી ખાતરી ઉચ્ચારી છે. રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સર્ગેઈ વેર્શિનિને જણાવ્યું છે કે બ્લેક સી ઈનિશિયેટિવ હેઠળ ગયા વર્ષે અનાજનો જે પુરવઠો અપાયો હતો તેના લગભગ પ્રમાણમાં જરૂરિયાતમંદ દેશોને પુરવઠો આપવાની અમારી તૈયારી છે. ગયા વર્ષે આફ્રિકન દેશોને 900,000 ટનથી વધુ અનાજ પુરું પડાયું હતું. રશિયાની ફરિયાદ હતી કે આ સમજૂતી હેઠળ રશિયન ફૂડ અને ફર્ટિલાઈઝરની નિકાસ કરવાની જોગવાઈનું પાલન કરાતું નથી. યુએન અને તુર્કિયેની મદદથી કરાયેલી સમજૂતી હેઠળ ગયા વર્ષે યુક્રેનના 32 મિલિયન ટનથી વધુ અનાજની નિકાસ કરી શકાઈ હતી.
કેન્યામાં દેખાવકારો પર ગોળીબારઃ બેના મોત
નાઈરોબીઃ કેન્યામાં ટેક્સવધારા અને જીવનનિર્વાહ કટોકટી સંદર્ભે સરકાર સામેના દેખાવો હિંસક બની રહ્યા છે અને હોસ્પિટલોમાં પોલીસ ગોળીબારથી ઈજાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. બુધવાર 19 જુલાઈએ દેખાવકારોએ નાઈરોબીની શેરીઓમાં ટાયરો બાળ્યા હતા અને પોલીસ સામે પથ્થરમારો કર્યો હતો. સલામતી દળોએ ટીઅરગેસના શેલ્સ છોડ્યા હતા. વિપક્ષના ગઢ ગણાતા કિસુમુ ખાતે પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણોમાં બે વ્યક્તિનું મોત અને 14ને ઈજા થયાને હોસ્પિટલ દ્વારા સમર્થન અપાયું હતું. વિરોધપક્ષો દ્વારા સરકારવિરોધી દેખાવોના એલાનનો આ મહિનાનો ત્રીજો તબક્કો હતો. પોલીસદળ સાચા કારતૂસોનો ઉપયોગ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. દેખાવો અને હિંસાના કારણે નાઈરોબી અને મોમ્બાસા સહિતના શહેરોમાં બિઝનેસીસ ઠપ થયા છે અને મોટા ભાગે શાળાઓ બંધ રખાઈ હતી.