હરારે, મોસ્કોઃ રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિને ઝિમ્બાબ્વેના પ્રમુખ એમર્સન મ્નાન્ગાગ્વાને ખાસ પ્રેસિડેન્શિયલ હેલિકોપ્ટરની ઓફર કરી હતી. બે દિવસીય રશિયા- આફ્રિકા સમિટમાં યુક્રેન પરના આક્રમણ મુદ્દે આફ્રિકન દેશોનું સમર્થન મેળવવા રશિયા દ્વારા પ્રયાસ કરાયો હતો. ઝિમ્બાબ્વે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પક્ષી (વિમાન) ટુંક સમયમાં આપણા આકાશમાં ઉડતું હશે. અમેરિકા અને યુરોપીય દેશો દ્વારા ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ભંગ બદલ ઝિમ્બાબ્વેના નેતાઓ પર પ્રતિબંધો લગાવાયા છે. રશિયાએ છ આફ્રિકન દેશોને મફત અનાજ આપવા જાહેરાત કરી છે તેમાં એક ઝિમ્બાબ્વે પણ છે.
ગામ્બીઆની દવા કંપનીનું ઈમ્પોર્ટ લાયસન્સ રદ
બાનમજુલઃ ગામ્બીઆ સરકારે ભારતમાંથી આયાત કરાયેલા પ્રદૂષિત કફ સિરપ પીવાથી 70થછી વધુ બાળકોનાં કિડની નિષ્ફળ થવાથી મોતનાં પગલે એટલાન્ટિક ફાર્માસ્યુટિકલ કંપની લિમિટેડનું ઈમ્પોર્ટ લાયસન્સ કાયમીપણે રદ કરી મેડિસિન્સ કન્ટ્રોલ એજન્સીના બે અધિકારીની પણ હકાલપટ્ટી કરી છે. ગામ્બીઆ સરકારના ટાસ્ક ફોર્સે દેશમાં ફાર્માસિસ્ટ્સની વધતી માગને પહોંચી વળવા નેશનલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ફાર્મસી સ્થાપવાની ભલામણ કરી છે. ગામ્બીઆના હેલ્થ મિનિનસ્ટરે દેશમાં તમામ આરોગ્યલક્ષી કાયદાની સમીક્ષા કરાઈ રહી હોવાનું જણાવ્યું છે.
ઘાનાના કૌભાંડી મિનિસ્ટરની ધરપકડ
અકારાઃ ઘાનાના સેનિટેશન એન્ડ વોટર સપ્લાયના પૂર્વ મિનિસ્ટર સેસિલીઆ દાપાહને તેમના ઘરમાંથી એક મિલિયન ડોલર (780,000 પાઉન્ડ)ની રોકડની ચોરીના રિપોર્ટિંગ પછી ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદ ભ્રષ્ટાચાર અને તેને સબંધિત ગુનાઓ બાબતે રવિવાર 22 જુલાઈએ તેમને નજરકેદ કરાયાં હતાં. તેમની પૂછપરછ ચાલતી હોવાનું ઓફિસ ઓફ ધ સ્પેશિયલ પ્રોસિક્યુટર દ્વારા જણાવાયું છે. ઘાનામા આર્થિક કટોકટી છે ત્યારે પૂર્વ મિનિસ્ટરના ઘરમાં આટલી જંગી રોકડ રકમ કેવી રીતે રખાઈ હશે તે મુદ્દે સવાલ ઉઠાવાયા છે. જાહેર વિવાદના પગલે ઘાનાના પ્રેસિડેન્ટે મિસ દાપાહનું રાજીનામું સ્વીકારી લીધું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર તેમના બે ડોમેસ્ટિક સ્ટાફ સામે 300,000 યુરો અને કેટલાક મિલિયન ઘાના સેડિસ, કેટલીક અંગત આઈટમ્સ ઉપરાંત, એક મિલિયન ડોલરની રોકડ ચોરીનો આરોપ લગાવાયા પછી નાણા મળી આવ્યા હતા.
સુદાનમાં શાંતિરક્ષકોની કેન્યાની દરખાસ્ત ફગાવાઈ
કાઈરોઃ સુદાનમાં 100 કરતાં વધુ દિવસથી ચાલતા યુદ્ધનો અંત લાવવામાં મદદ કરવા કેન્યાની આગેવાની હેઠળ ઈસ્ટ આફ્રિકન પીસકીપર્સ મોકલવાની કેન્યાની દરખાસ્તને સુદાનના જનરલ યાસિર અલ-અટ્ટાએ કડક શબ્દોમાં ફગાવી દીધી હતી. જનરલે કેન્યા પર RSF ને સપોર્ટ કરવાનો આક્ષેપ મૂકતા કહ્યું હતું કે કોઈ પણ વિદેશી શાંતિરક્ષકોને દુશ્મન ગણવામાં આવશે. સુદાનમાં લશ્કર અને પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) વચ્ચે 15 એપ્રિલથી ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીની ઘણી ઓફર્સ નકારી કાઢી છે.