કમ્પાલાઃ યુગાન્ડાના સૌથી મોટા બુગાન્ડા કિંગ્ડમના 68 વર્ષીય કાબાકા (કિંગ) રોનાલ્ડ મુવેન્ડા મુટેબી દ્વિતીયના રાજ્યારોહણની 30મી વર્ષગાંઠ 31 જુલાઈ, સોમવારે ઉજવાઈ હતી. કમ્પાલાનો મેન્ગો ખાતે તેમના મહેલની બહાર હજારો લોકોએ વરસતા વરસાદમાં આનંદથી નાચગાન સાથે ઉજવણી કરી હતી. સમર્થકો દ્વારા ખભા પર ઉંચકી લેવાયેલા કાબાકાએ લોકોનુ અભિવાદન કર્યુ હતુ.
યુગાન્ડામાં બુગાન્ડાની બંધારણીય રાજાશાહી છે. કાબાકાની ભૂમિકા માત્ર શોભારૂપ છે અને તેમના સપોર્ટથી 1986થી પ્રમુખપદે આવેલા યોવેરી મુસેવેનીની સરકાર સાથે તેમના સંબંધોમાં કડવાશ પણ આવેલી છે. કડક હાથે શાસન કરતા મુસેવેનીની સરકાર દ્વારા 2009માં કિંગ રોનાલ્ડ મુવેન્ડા મુટેબી ત્રીજાની બુગાન્ડામાં જ આવનજાવન પર નિયંત્રણ મૂકતા તેમજ તેમના રેડિયો સ્ટેશન CBSને બંધ કરી દેતા ભારે રમખાણો ફેલાયા હતા જેમાં 27 લોકોના મોત નીપજ્યા હતા.
યુગાન્ડા બોટ અકસ્માતઃ 20ના મોત
કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલા નજીક લેક વિક્ટોરિયામાં બુધવાર 3 ઓગસ્ટની સવારે એક બોટ ઉંધી વળી જવાની દુર્ઘટનામાં ઓછામાં ઓછાં 20 લોકો માર્યા ગયા હતા. યુગાન્ડા પોલીસ ફોર્સના જણાવ્યા મુજબ નવ લોકોને બચાવી લેવાયા હતા. આ બોટમાં 34 લોકો હતા અને કોલસો, માછલી તથા તાજો ખોરાક લઈ જવાતો હતો. વધુ પડતા વજન અને ખરાબ હવામાનનાં કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યાની સરહદ બનાવતા સૌથી મોટા લેક વિક્ટોરિયા તેમજ યુગાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની સરહદે આવેલા લેક આલ્બર્ટમાં હોડી ઉંધી વળી જવાની અને તેના લીધે મોત થવાની ઘટનાઓ સામાન્ય છે.
યુકેના ફોરેન સેક્રેટરી આફ્રિકાની મુલાકાતે
અકારાઃ યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ આફ્રિકાની ચાર દિવસની મુલાકાત લીધી હતી જેમાં ઘાના, નાઈજિરિયા અને ઝામ્બિયાનો સમાવેશ થયો હતો. ક્લેવર્લીએ 31 જુલાઈએ ઘાનામાં લશ્કરી કાઉન્ટર ટેરરિઝમ કવાયતમાં હાજરી આપી હતી તેમજ ઘાનાના બિઝનેસીસને 40 મિલિયન પાઉન્ડની મદદની જાહેરાત કરી હતી. યુકે માટે ઘાના ચોથા ક્રમનું એક્સપોર્ટ માર્કેટ છે અને 2022માં ઘાનાથી 1.3 બિલિયન પાઉન્ડની ચીજવસ્તુઓની આયાત કરી હતી. ફોરેન સેક્રેટરી ક્લેવર્લીએ યુકે-ઘાના ગોલ્ડ માઈનિંગ પ્રોગ્રામના લોન્ચિંગમાં પણ હાજરી આપી હતી.
યુગાન્ડા સદી જૂની રેલ લિન્ક ફરી ખોલશે
કમ્પાલાઃ યુગાન્ડાએ દેશના ઉત્તર, સાઉથ સુદાન અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો સુધી માલસામાન મોકલવાનો ખર્ચ ઘટાડવા બ્રિટિશરો દ્વારા બંધાયેલી સદી જૂની રેલવે લાઈન ફરી શરૂ કરવાની તૈયારી આદરી છે. લગભગ 40 વર્ષથી બધ રહેલી આ રેલવે લાઈન કેન્યાના હિન્દ મહાસાગરના પોર્ટ મોમ્બાસા સુધી પહોચતી ઈસ્ટ આફ્રિકા રેલ નેટવર્કનો હિસ્સો છે. યુગાન્ડાએ 2.2 બિલિયન ડોલરના ખર્ચે ચીનની કંપનીની સહાયથી સ્ટાન્ડર્ડ ગેજ રેલવે બાંધવાની યોજના ઘડી હતી પરંતુ, ચીને તેમાં ફાઈનાન્સિંગ નહિ કરવાથી યોજના પડતી મૂકી છે. હવે ચીનની કંપની બે વર્ષના ગાળામાં યુગાન્ડા સરકાર દ્વારા અપાનારા 200 બિલિયન શિલિંગ્સ (55.48 મિલિયન ડોલર)ના ખર્ચે આ રેલવે લાઈનનું પુનઃનિર્માણ કરશે.
કેન્યાનો ક્રિપ્ટો કરન્સી ફર્મ પર સકંજો
નાઈરોબીઃ કેન્યાની સરકારે પ્રજાને જોખમોનું સંપૂર્ણ મૂલ્યાંકન ન કરાય ત્યાં સુધી ક્રિપ્ટોકરન્સી પ્રોજેક્ટ વર્લ્ડકોઈન (WorldCoin) સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓ સસ્પેન્ડ કરી નાખી છે. કેન્યાને ક્રિપ્ટોકરન્સીમાં ભારે રસ છે. એક સર્વે મુજબ 40 વર્ષથી નીચેના અતિ ધનાઢ્ય યુવા કેન્યનો બ્લોકચેઈન ટેકનોલોજી અને મેટાવર્સ તેમજ અન્ય ઉભરતી ટેકનોલોજીઓના ક્ષેત્રોમાં આગવી સંપત્તિનું સર્જન કરી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીની તેજીમાં ખેડૂતો પણ ભાગ લઈ રહ્યા છે. આ સંજોગોમાં સંબંધિત સિક્યુરિટી, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ડેટા પ્રોટેક્શન એજન્સીઓ તેમની પ્રવૃત્તિઓની કાયદેસરતા અને પ્રામાણિકતા સ્થાપિત ન કરે ત્યાં સુધી સસ્પેન્શન અમલી રહેશે તેમ સરકારે જણાવ્યું છે.
ફ્રેન્ચ યુનિ. માનવ અવશેષો પરત કરશે
વિન્ધોએક, ડોડોમાઃ નામિબીઆ અને ટાન્ઝાનિઆમાં 1904થી 1907ના સમયગાળામાં જર્મન સંસ્થાન શાસનમાં જર્મન દળોએ નામિબીઆના ઓવાહેરેરો અને નામા અને ટાન્ઝાનિઆમાં મોશી પ્રોવિન્સના લોકોનો નરસંહાર કર્યો હતો. જર્મનીએ આ સંહાર થયાની સત્તાવાર કબૂલાત 2021માં કરી છે. નોર્થ-ઈસ્ટ ફ્રાન્સની સ્ટ્રાસબોર્ગ યુનિવર્સિટીએ આ નરસંહારોના માનવ ખોપરીઓ, હાડકા સહિતના અવશેષોના મૂળ શોધવાની કામગીરી હાથ લીધી હતી. નામિબીઆના ઓવાહેરેરો જેનોસાઈડ ફાઉન્ડેશને માનવ અવશેષો પરત કરવા માગણી કરી હતી. ટાન્ઝાનિઆએ પણ માઉન્ટ કિલિમાન્જારોની આસપાસ વાછાગ્ગા લોકોના સંહારના અવશેષો પરત માગ્યા છે. સ્ટ્રાસબોર્ગ યુનિવર્સિટી પાસે 110 માનવ અવશેષો છે.