લંડન
માઇનિંગ જાયન્ટ ગ્લેનકોર કંપનીને આફ્રિકામાં વ્યાપક કોર્પોરેટ ભ્રષ્ટાચાર આચરવા માટે અદાલત દ્વારા 281 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચુકાદો આપતાં જજે જણાવ્યું હતું કે, કંપનીએ લાંચ આપીને સમગ્ર આફ્રિકામાં વ્યાપક સ્તરે કોર્પોરેટ ભ્રષ્ટાચાર આચર્યો છે. FTSE 100 કંપનીને સજા ફટકારતાં સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ લંડનના જસ્ટિસ ફ્રેસરે જણાવ્યું હતું કે, કંપનીએ ન કેવળ વેપારનું અપરાધીકરણ કર્યું પરંતુ તેના માટે આધુનિક સાધનોનો પણ ઉપયોગ કર્યો. ગ્લેનકોર ગ્રુપની ગ્લેનકોર એનર્જી બ્રિટને આ વર્ષે કબૂલાત કરી હતી કે તેણે નાઇજિરિયા, કેમેરૂન, ઇક્વિટોરિયલ ગિની, આઇવરી કોસ્ટ અને સાઉથ સુદાનમાં લાંચ આપી હતી.
આ સમગ્ર કેસની તપાસ સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા કરાઇ હતી જેમાં લાખો દસ્તાવેજોની ચકાસણી અને 16 લોકોની પૂછપરછ કરાઇ હતી. ફ્રોડ ઓફિસના ડિરેક્ટર લિસા ઓસોફ્સ્કીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગ્લેનકોર કંપની ગરીબ દેશોની સરકારોને લાંચ આપીને નફો રળી રહી હતી. કંપનીની ક્રુર લાલસા અને અપરાધો હવે ખુલીને સામે આવી ગયાં છે.
જજે ચુકાદો સંભળાવ્યો ત્યારે ભરચક કોર્ટરૂમમાં ગ્લેનકોરના ચેરમેન 67 વર્ષીય કાલીદાસ માધવપેડ્ડી હાજર રહ્યાં હતાં. તેમણે કંપનીના અપરાધોની કબૂલાત કરી હતી. માધવપેડ્ડીએ જણાવ્યું હતું કે, ગ્લેનકોરમાં આ પ્રકારના અપરાધોને કોઇ સ્થાન નથી.
આફ્રિકાના અધિકારીઓને લાંચ આપવા ગ્લેનકોર પ્રાઇવેટ જેટમાં રોકડ મોકલતી હતી
આફ્રિકાના અધિકારીઓને લાંચ આપવા માટે ગ્લેનકોર કંપની પ્રાઇવેટ જેટમાં રોકડ રકમ આફ્રિકા મોકલતી હતી. ગ્લેનકોર દ્વારા આફ્રિકાના વિવિધ દેશોના અધિકારીઓને અપાયેલી લાંચના કારણે આ દેશોને 128 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. કંપની દ્વારા આફ્રિકાના લાંચિયા અધિકારીઓને 81 મિલિયન ડોલરની લાંચ અપાઇ હોવાનું પૂરવાર થઇ ચૂક્યું છે.