બ્રસેલ્સઃ કોવિડ – ૧૯થી થયેલા નુક્સાન પછી આફ્રિકન અર્થતંત્રને વેગીલું બનાવવા માટે યુરોપિયન યુનિયન (EU) $૫.૭ બિલિયનની સહાય આપશે. જોકે, આફ્રિકાના અલગ અલગ દેશોએ લીધેલા પગલાંના આધારે વાસ્તવિક વિતરણ સહાય કરાશે.
લાંબા વિલંબ પછી બ્રસેલ્સમાં યોજાયેલી છઠ્ઠી ઈયુ - એયુ સમીટના અંતે વેક્સિનમાં સમાનતા માટે અનુરોધ સહિત દરેક રાજકીય નેતાઓએ મુખ્યત્વે કોવિડ – ૧૯ મહામારી પર ભાર મૂક્યો હતો. તે ઉપરાંત, માનવ અધિકાર, પર્યાવરણનું જતન અને ક્લાઈમેટ ચેન્જ તેમજ ટેક્નોલોજીકલ ઈનોવેશન અને ડિજીટલ ઈન્વેસ્ટમેન્ટ્સના મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી.
ગ્લોબલ ગેટવે ઈન્વેસ્ટમેન્ટ પેકેજ હેઠળ આ ફંડિંગ બે વર્ષમાં $૧૭૦ બિલિયન જેટલું વધુ હોઈ શકે. તેમાંની મોટાભાગની રકમ ક્રેડિટ અથવા ઈન્વેસ્ટમેન્ટ ગેરન્ટી તરીકે અપાય તેવું બને.
સમિટના અંતે ઈયુ અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓએ મહામારીને લીધે અસર પામેલા આફ્રિકાના માઈક્રો, નાના અને મધ્યમ સેક્ટરને મદદરૂપ થવા અને વેક્સિન ટેક્નોલોજી ટ્રાન્સફરની સુવિધા માટે ૫.૭ બિલિયન ડોલરની સહાય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
છેલ્લે ૨૦૧૭માં કોટ દ આઈવરીમાં યોજાયેલી સમિટમાં વડાઓએ ટેક્નોલોજી, શાંતિ અને સલામતી, માઈગ્રેશન, મૂડીરોકાણ અને સાતત્યપૂર્ણ વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.