મ્બાબનેઃ અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે જાણીતા આફ્રિકાના દક્ષિણી દેશ એસ્વાતીનીમાં લોકશાહી તરફી સક્રિય કાર્યકરોએ લોકશાહી સુધારા ન થાય અને તમામ વિરોધ પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવી ન લેવાય ત્યાં સુધી રાજાશાહી સામેના ઉગ્ર દેખાવોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
એસ્વાતીનીના સૌથી મોટા શહેર માન્ઝિની અને સેન્ટ્રલ ટાઉન મત્સાફામાં છેલ્લાં થોડા દિવસોથી થઈ રહેલા લોકશાહી તરફી દેખાવો અને લોકોના ટાયરો બાળતા અને સ્ટ્રીટ્સમાં આડશો મૂકતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નાના પર્વત પર આવેલા રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.
સરકારે તમામ બિઝનેસીસ બપોરે સાડા ત્રણ વાગે બંધ કરવા અને સાંજે ૬થી સવારે ૫ સુધી કડક કરફ્યુનો આદેશ આપ્યો હતો. સ્કૂલોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ હતી.
રાજા દેશ છોડીને નાસી ગયા હોવાના દાવાને એસ્વાતીની સરકારે નકારી કાઢ્યા હતા. કાર્યકારી વડા પ્રધાન થેમ્બા મસુકુએ જણાવ્યું કે કિંગ મ્સવાતિ ત્રીજા દેશમાં જ છે અને સરકાર સાથે કાર્યરત છે. મસુકુએ નિવેદનમાં જણાવ્યું કે કમનસીબે વિરોધ દેખાવોનું સુકાન ગુનાહિત તત્વોએ છીનવી લીધું છે.તે કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.
દેશ પર ત્રીસ વર્ષ કરતાં વધુ સમય સુધી શાસન કરનારા આફ્રિકાના છેલ્લાં રાજા કિંગ મ્સવાતિ ત્રીજા પર દેખાવકારોએ માનવ અધિકારના ભંગ અને દમનકારી સરકાર ચલાવવાનો આક્ષેપ કર્યો હતો.