નાઈરોબીઃ કેન્યા હેલ્થકેર અને શિક્ષણ પાછળ જે નાણા ખર્ચે છે તેનાથી ચાર ગણો ખર્ચ તેના બાહ્ય દેવાંની ચૂકવણી પાછળ કરે છે. મોટા ભાગનું આફ્રિકા દેવાંના બોજ હેઠળ છે પરંતુ, તેનું કારણ IMF અથવા ચીન નથી પરંતુ, વિકાસશીલ દેશના ફાઈનાન્સીઝને લૂણો લગાડતી ખાનગી બેન્કો છે જેઓ આસમાની દરે ધીરાણો કરે છે.
તાજેતરમાં નાઈરોબીમાં થયેલા હિંસક દેખાવોમાં ચીન અને IMF, વર્લ્ડ બેન્ક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર ભારે દોષારોપણ કરાયું હતું પરંતુ, કેમ્પેઈનર્સના કહેવા મુજબ કેન્યા સરકારે જારી કરેલા બોન્ડ્ઝની માલિકી ધરાવતી પ્રાઈવેટ બેન્કો પણ વિકાસ આડેનો અવરોધ છે.
કેન્યાના 2023થી 2025ના ગાળામાં બાહ્ય દેવાની ચૂકવણીમાં લગભગ અડધોઅડધ હિસ્સો પ્રાઈવેટ ક્રેડિટર્સ, મુખ્યત્વે બોન્ડધારકોનો છે જેઓ ઊંચા વ્યાજ અને ઝડપી વળતરો માગે છે. પબ્લિક ડેટ રજિસ્ટરના તાજા આંકડા અનુસાર અમેરિકન બેન્ક્સ એલાયન્સબર્નસ્ટેઈન અને બ્લેકરોક જ કેન્યા સરકારના દેવામાં 582 મિલિયન ડોલર (450 મિલિયન પાઉન્ડ)નો હિસ્સો ધરાવે છે. 2021ના પ્રાઈવેટ ક્રેડિટર્સ લિસ્ટમાં HSBC, એબેરડિન એસેટ મેનેજમેન્ટ, લીગલ એન્ડ જનરલ, PGIM બોન્ડ દેવાંમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. યુકેસ્થિત નાના બોન્ડહોલ્ડર્સ પણ કેન્યા સરકારના દેવાંમાં 210 મિલિયન ડોલરનો હિસ્સો ધરાવે છે.