લંડન
જમીન માનવજાત માટે એક અનિવાર્ય સ્ત્રોત છે પરંતુ તેનો જેટલો દુરુપયોગ કરાય તેટલું તેનું ખવાણ વધે છે. જમીન કાર્બન ડાયોક્સાઇડને બાંધી રાખવામાં ઘણી મદદરૂપ બને છે. ક્લાઇમેટ ચેન્જ, દુકાળ, ગેરકાયદેસર ખોદકામ, આક્રમક કૃષિ પ્રવૃત્તિઓ અને પશુઓ ચરાવવાની અનિયંત્રિત પ્રવૃત્તિઓના કારણે જમીનનું ભયજનક રીતે ખવાણ થઇ રહ્યું છે. હાલ ઇસ્ટ આફ્રિકાના દેશોમાં છેલ્લા 40 વર્ષનો ભીષણ દુકાળ પડ્યો છે. છેલ્લાં પાંચ ચોમાસા નિષ્ફળ જવાના કારણે મોટી સંખ્યામાં પશુ અને વન્ય પ્રાણીઓ મોતને ભેટી રહ્યાં છે. લાખો લોકો ભૂખમરામાં ધકેલાયાં છે.
હવે વૈજ્ઞાનિકો ક્લાઇમેટ ચેન્જમાં જમીનના ખવાણની પણ નોંધ લઇ રહ્યાં છે. જમીન કાર્બનને બાંધી રાખવાનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવામાં જમીન મહત્વની ભુમિકા ભજવી શકે છે. નૈરોબી યુનિવર્સિટીના સોઇલ સાયન્ટિસ્ટ ચાર્લ્સ ગચેને કહે છે કે પૃથ્વીના વાતાવરણમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે તેના કરતા બમણો કાર્બન જમીનમાં સંગ્રહાયેલો રહે છે. જમીન પરની વનસ્પતિમાં કાર્બનનું પ્રમાણ હવામાંના કાર્બન કરતાં 3 ગણું છે.
આક્રમક કૃષિ પ્રવત્તિઓ, પશુઓને વધુ પ્રમાણમાં ચરાવવાની પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર ખોદકામ, વધી રહેલી માનવવસતીને સમાવવા ઊભી કરાઇ રહેલી માળખાકીય સુવિધાઓને કારણે જમીનનું માળખું ધ્વસ્ત થઇ રહ્યું છે અને વાતાવરણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઇ રહ્યો છે. આફ્રિકામાં પડી રહેલા દુકાળ માટે જમીનનું ખવાણ પણ એટલું જ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યાં છે.