જોહાનિસબર્ગઃ આફ્રિકા ખંડમાં લોકશાહીનું મહત્ત્વ અને નવી પેઢી દ્વારા સમર્થન વધી રહ્યું છે. આફ્રિકાના સૌથી લોકપ્રિય નેતા નેલ્સન મન્ડેલાની 105મી જન્મજયંતીએ ઈશિકોવિટ્ઝ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ખંડમાં આફ્રિકન યુથ સર્વે (AYS)ના તારણો જાહેર કરાયા હતા. આ સર્વેમાં આફ્રિકાના 15 દેશના 18થી 24 વયજૂથના 4,500 યુવાનોને આવરી લેવાયા હતા.
AYS મુજબ આફ્રિકામાં સૌથી વધુ પ્રભાવશાળી નેતા નેલ્સન મન્ડેલા (55 ટકા) રહ્યા હતા જ્યારે બરાક ઓબામા (12 ટકા) ઘણા પાછળ રહી ગયા હતા. સર્વેમાં 74 ટકાએ લોકશાહી સરકાર સૌથી શ્રેષ્ઠ પ્રકાર હોવાનો મત દર્શાવ્યો હતો પરંતુ, 53 ટકાએ પાશ્ચાત્ય શૈલીના લોકશાહી મોડેલના બદલે આફ્રિકાને કેન્દ્રમાં રાખતા મોડેલની જરૂર હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, મન્ડેલાના લોકશાહીવાદી ભવિષ્યના સ્વપ્નમાં અવરોધો પણ આ સર્વેમાં જાણવા મળ્યા છે. 53 ટકા યુવાનોએ રાષ્ટ્રીય નેતાઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રત્યે અવિશ્વાસ દર્શાવતા રાજકીય વહીવટને સૌથી ઓછી ભરોસાપાત્ર સંસ્થા ગણાવી હતી.
આ અભ્યાસમાં 47 ટકા યુવાનોને ભદભાવના અનુભવો થયેલા હતા જ્યારે 52 ટકાએ તેમના દેશમાં લગભગ તમામ સાથે કાયદા હેછળ સમાન વ્યવહાર થતો હોવાનું જણાવ્યું હતું. સમાનતા અને લૈંગિક ભેદભાવના મુદ્દે બહુમતી (83 ટકા) પ્રતિભાવકોએ વંશીય લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે વધુ કરવાની જરૂર દર્શાવી હતી જ્યારે મહિલાઓના અધિકાર અને લૈંગિક હિંસા મુદ્દે અનુક્રમે 79 ટકા અને 81 ટકાએ ગંભીર ચિંતા દર્શાવી હતી.