એન્ટેબી
યુક્રેન સાથેના યુદ્ધ મધ્યે યુગાન્ડાની મુલાકાતે પહોંચેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવનું એન્ટેબીમાં રંગેચંગે સ્વાગત કરાયું હતું. યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવિનીએ જણાવ્યું હતું કે, મને યુક્રેન પરના આક્રમણ માટે રશિયાની ટીકા કરવાનું કોઇ કારણ જણાતું નથી. પશ્ચિમના દેશો સામે બાથ ભીડી રહેલા રશિયાના વિદેશમંત્રી આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે પહોંચ્યા છે. મુસેવિનીએ એક સદી પહેલાં સંસ્થાનવાદ સામેના સંઘર્ષમાં રશિયાએ કરેલી મદદની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો રશિયા કોઇ ભૂલ કરશે તો અમે તેમને જણાવીશું પરંતુ તેમણે કોઇ ભૂલ ન કરી હોવાથી અમે તેમની વિરુદ્ધ કશું કહી શક્તાં નથી.
ઘણા આફ્રિકન દેશો રશિયાથી અનાજ અને ક્રુડની આયાત કરે છે તો સાથે સાથે યુક્રેન પાસેથી પણ અનાજ ખરીદે છે અને પશ્ચિમના દેશોની સહાય પણ મેળવે છે. તેથી તેઓ યુક્રેન યુદ્ધમાં કોઇનો પક્ષ લઇ રહ્યાં નથી. માર્ચ મહિનામાં યુક્રેન પર રશિયના આક્રમણ પર સંયુક્ત રાષ્ટ્રમાં પસાર કરાયેલા ટીકાત્મક ઠરાવના મતદાનમાં ગેરહાજર રહેનારા 17 આફ્રિકન દેશોમાં યુગાન્ડા પણ સામેલ હતો. લાવરોવે યુગાન્ડા અને અન્ય આફ્રિકન દેશોના વલણની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમણે જવાબદાર અને સંતુલિત પગલું લીધું છે. આફ્રિકાના દેશો રશિયા વિરુદ્ધ વલણ અપનાવે તેવી માગ કરીને પશ્ચિમના દેશો સંસ્થાનવાદી માનસિકતા પ્રદર્શિત કરી રહ્યાં છે.
મુસેવિનીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઇ મુદ્દો ઊભો થાય છે ત્યારે કેટલાક લોકો અમને રશિયા વિરોધી વલણ અપનાવવા દબાણ કરે છે પરંતુ રશિયા અમારી સાથે છેલ્લા 100 વર્ષથી છે અને અમે તેના વિરુદ્ધ કેવી રીતે જઇ શકીએ? અમે અમારા પર રાજ કરનારા સંસ્થાનવાદી દેશોને પણ માફ કરી ચૂક્યાં છીએ અને તેમની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.