ડકારઃ અત્યાર સુધી અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો સુપર ટ્યૂઝડે સાંભળવામાં આવતો હતો. હવે આફ્રિકામાં કોંગો-બ્રાજિવિલે, નાઇજર, બેનિન, કેપ વર્દે, સેનેગલ અને તાન્ઝાનિયામાં ૨૦મી માર્ચે મતદાન સાથે સુપર સન્ડે થયો હતો. સેનેગલમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ સાત વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરવા મુદ્દે રેફરેન્ડમ થઇ રહ્યો છે જ્યારે કોંગો-બ્રાઝિવિલેમાં ૩૨ વર્ષથી રાષ્ટ્રપતિ રહેલા ડેનિસ સેસૂ-એગુસેઓ ફરીવાર મેદાનમાં છે. તાન્ઝાનિયાનાં સ્વાયત્ત વિસ્તાર ઝાંઝિબારમાં ફરીવાર ચૂંટણી થઇ રહી છે. વિપક્ષી સિવિક યુનાઇટેડ ફ્રન્ટે ચૂંટણીના બહિષ્કારની અપીલ કરી હતી. અહીં ઓક્ટોબરમાં થયેલી ચૂંટણીમાં ફ્રન્ટના ઉમેદવાર સૈફ શરીફ હમદે પરિણામ આવ્યા પહેલાં પોતાને વિજેતા જાહેર કરી દીધા હતા. તે ચૂંટણીને સત્તાવાર રીતે ફગાવીને નવેસરથી ચૂંટણી યોજાઇ રહી છે.
ફ્રન્ટ અનુસાર તે જીતી ગયું હતું તેથી ચૂંટણી રદ કરાઈ હતી. હવે રાષ્ટ્રપતિ અલી મુહમ્મદ શેન અને તેમની પાર્ટી ચામા ચા માપિંદુજીની જીતની પૂરી સંભાવના છે. સેનેગલમાં રાષ્ટ્રપતિના કાર્યકાળને બે વર્ષ ઘટાડવા માટે રેફરેન્ડમ થઇ રહ્યો છે, પણ નક્કી થઇ રહ્યું છે કે કોઇ રાષ્ટ્રપતિ બે કાર્યકાળ કરતા વધારે ના રહે. જોકે વિપક્ષે તે માટે પણ મૈકી સાલની ટીકા કરી છે.
નાઇઝરમાં વિરોધ પક્ષનાં ઉમેદવાર બાળકોની તસ્કરીના આરોપી
આફ્રિકાના સૌથી ગરીબ દેશો પૈકીના એક નાઇજર પર અલકાયદા અને બોકો હરમના આતંકવાદીઓ હુમલા કરતા રહે છે. અહીં વિપક્ષે ચૂંટણીમાં ગેરરીતિના આરોપ લગાવીને તેનો બહિષ્કાર કર્યો છે. રાષ્ટ્રપતિ મુહમ્મદાઉ ઇસૂફૂની જીત નક્કી છે. તેમની સામે મેદાનમાં પૂર્વ વડા પ્રધાન હમા અમાદાઉ છે. જેમની બાળકોની તસ્કરીના આરોપોમાં ધરપકડ કરાઈ હતી. તેમને ગત સપ્તાહે સારવાર માટે પેરિસ લઇ જવાયા હતા. જ્યાં તેમના આરોગ્ય અંગે કોઇ સમાચાર મળ્યા નથી.