બ્રિટિશ ફ્લોરિસ્ટ કંપનીઓ કેન્યા સહિતના આફ્રિકન દેશોમાંથી વધુ પ્રમાણમાં ફૂલ મેળવી શકાય તેની તજવીજ કરી રહેલ છે. આમ તો, યુકે, નેધરલેન્ડ્સ અને બિનયુરોપીય દેશોમાંથી ફૂલોની આયાત કરાય છે પરંતુ, આફ્રિકામાં ઉગાડાતાં અને મેળવાતાં ફૂલોમાં કાર્બન ફૂટપ્રિન્ટ્સ નહિવત હોય છે. યુકે અથવા યુરોપમાં ઉગાડાતાં ફૂલો વધુ ગ્રીનહાઉસ ઈફેક્ટ્સ ધરાવે છે કારણકે કૃત્રિમ ગરમી અને પ્રકાશનો ઉપયોગ કરવામા આવે છે.
કેન્યામાં ઉગાડાતાં ફૂલોની સરખામણીએ ડચ હોટહાઉસીસમાં ઉગાડાતાં ગુલાબમાંથી વછૂટતાં ગ્રીનહાઉસ ગેસીસ 5.5 ગણા વધુ હોય છે. અનેક પ્રકારના ફૂલને ઉગવામાં હુંફાળું વાતાવરણ જોઈએ છે તે કેન્યા જેવાં ગરમ દેશોમાં આસાનીથી મળી રહે છે જ્યારે યુરોપમાં કૃત્રિમ ગરમીનો ઉપયોગ કરવો પડે છે. કેન્યામાં ઉગાડાતાં 95 ટકા ફ્લાવર્સની યુકે અને યુરોપ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થાય છે. ઈસ્ટ આફ્રિકન દેશોમાં વસતા ભારતીયો પણ આ કુદરતી સુગંધ અને સુંદરતાના વેપારમાં સારી કમાણી રળી લે છે.