જોહાનિસબર્ગઃ આફ્રિકામાં કોવિડ - ૧૯ મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨૦૦,૨૫૪ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સત્તાવાર રેકર્ડ્સના આધારે એએફપી દ્વારા જણાવાયું હતું. નોંધાયેલા સત્તાવાર આંકડાઓના આધારે તો માની શકાય કે આ પ્રદેશના ૫૪ દેશોની હાલત દુનિયાના અન્ય ભાગ કરતાં ખૂબ ખરાબ હતી.
૧.૩ બિલિયનથી વધુ લોકોની વસતિ ધરાવતા આફ્રિકામાં ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનમાં વાઈરસે દેખા દીધી ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૨૦૦,૨૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમાં ૪૫.૭ મિલિયનથી વધુ લોકોનું મૃત્યુ થયું હતું.
જુલાઈમાં ૨૭,૦૦૦ અને ઓગસ્ટમાં ૨૬,૦૦૦ લોકોના મૃત્યુ સાથેના કેટલાંક જીવલેણ મહિનાઓ પછી આ ખંડમાં મહામારી હળવી થઈ હોય તેમ લાગે છે. જુલાઈમાં ૯૯૦ લોકોની સામે અત્યારે ૬૧૭ લોકોનું મૃત્યુ થાય છે. દરેક દેશનીહેલ્થ ઓથોરિટીએ અથવા યુએનના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આપેલી દૈનિક માહિતી પર આ આંકડા આધારિત છે અને તેમાં નોર્થ આફ્રિકાના દેશો પણ સામેલ છે. તેમાં કોરોના સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા વધારાના મૃત્યુને ગણતરીમાં લેવાયા નથી. વાસ્તવિક મૃત્યુઆંક બેથી ત્રણ ગણો વધારે હોઈ શકે.
સાઉથ આફ્રિકાની કેપ પેનિન્સ્યુલા યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના સંશોધક ગ્લેન્ડા ડેવિડસને જણાવ્યું હતું કે આ ખંડમાં ટેસ્ટીંગની સુવિધા ખૂબ ઓછી હોવાથી સંક્રમિતોની સંખ્યા પણ વધારો હોઈ શકે.