સાન ફ્રાન્સિસ્કોઃ ટેક અગ્રણી ગૂગલે જાહેરાત કરી હતી કે તે આફ્રિકામાં ઈનોવેશન માટે આગામી પાંચ વર્ષમાં ૧ બિલિયન ડોલરનું રોકાણ કરશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ આફ્રિકા ઉપખંડમાં વધુ વપરાશકારો ટેક્નોલોજીનો લાભ મેળવી શકે તેમાં થશે.
ગયા બુધવારે આ વર્ષના Google4Africa કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરતાં તેમણે ઉમેર્યું કે છેલ્લાં દસ વર્ષમાં આપણે સાથે મળીને પ્રગતિ કરી છે. પરંતુ, ઈન્ટરનેટનો લાભ સૌ લઈ શકે, સૌને પોષાય તે માટે અને દરેક આફ્રિકનને ઈન્ટરનેટ ઉપયોગી થાય તે માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
આફ્રિકાનું માર્કેટ ૧.૨ બિલિયન લોકોનું હોવા છતાં મોબાઈલ અને ફિક્સ ઈન્ટરનેટના ઉંચા ભાવને લીધે તે ગ્લોબલ ડિજીટલ ઈકોનોમી વેલ્યૂ ચેઈનમાં ખૂબ નીચે છે.
ગૂગલે જણાવ્યું હતું કે આ રોકાણ દ્વારા ઓછાં કનેક્ટિવિટી ખર્ચમાં ઝડપી ઈન્ટરનેટ સેવા પૂરી પાડીને આ સમસ્યાનો અંત લાવવા પર ભાર મૂકાશે. આ ખંડને યુરોપ સાથે સાંકળવા માટે દક્ષિણ આફ્રિકા, નામિબિયા, નાઈજીરીયા અને સેન્ટ હેલેના થઈને દરીયામાંથી પસાર થતો નવો કેબલ ઈક્વિઆનો બીછાવવાનું આયોજન છે.