બેઇજિંગઃ ચાઈનીઝ રિસર્ચરોએ તાજેતરના અભ્યાસમાં દાવો કર્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાતો એક પ્રકારનો કોરોના વાઈરસ ભવિષ્યમાં સ્વરૂપ બદલશે તો તે માનવી માટે ઘાતક સાબિત થઈ શકે. છે. તે મુજબ નિયોકોવ કોઈ નવો વાઈરસ નથી. તે મર્સ-સીઓવી વાઈરસથી મેળ ખાય છે. તે સૌથી પહેલા ૨૦૧૨માં સાઉદી અરેબિયામાં મળી આવ્યો હતો. કોરોના વાઈરસનો એક મોટો પરિવાર છે જે સામાન્ય તાવ-શરદીથી લઈને સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ(સાર્સ) સુધીના રોગોનું કારણ બની શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સીઝના રિસર્ચરોએ અભ્યાસમાં નોંધ્યું હતું કે નિયોકોવ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં મળી આવ્યો છે અને તે અત્યાર સુધી પ્રાણીઓમાં ફેલાયો છે. જોકે વર્તમાન સ્વરૂપમાં તે માનવીને સંક્રમિત કરતો નથી પણ ભવિષ્યમાં જો વધુ મ્યુટેશન થશે તો તે માનવી માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.