ડરબનઃ યુનિવર્સિટીમાં મેડિકલ અને અન્ય આરોગ્ય વિજ્ઞાન અભ્યાસક્રમની સીટો વહેંચવાના જંગી કૌભાંડમાં ભારતીય મૂળની ત્રણ દ. આફ્રિકન વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓમાં એક મહિલા સહિત બે ગુજરાતી પણ છે. ડરબનની ‘લિટલ ગુજરાત રેસ્ટોરાંની માલિક મહિલા વર્ષા (૪૪) અને હિતેશકુમાર ભટ્ટ (૪૬) તેમજ પ્રેશ્ની હિરામણ (૫૫) નામના પૂર્વ સરકારી સ્કૂલ શિક્ષકને કેસમાં આરોપી બનાવાયા છે. ત્રણેય કથિત રીતે ગેરકાયેદસર ક્વાઝુલુ નતાલ પ્રાંતમાં આવેલી નેલ્સન મંડેલા સ્કૂલ ઓફ મેડિસીનમાં મેડિકલ અને અન્ય આરોગ્ય વિજ્ઞાન અભ્યાસક્રમોની સીટ વેચવાની સિન્ડિકેટનો ભાગ હતા. સંસ્થાના વંશીય ક્વોટાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે સીટની સંખ્યા મર્યાદિત છે.
ત્રણેય આરોપીને પાછળથી દરેકે ૩,૦૦૦ અમેરિકન ડોલર જમા કરતા જામીન અપાયા હતા. તેમની સાથે છેતરપિંડી અને ભ્રષ્ટ ગતિવિધિઓ નિવારણ અને તેની સામે લડતના કાયદા હેઠળ આરોપ લગાવાયા છે.
એક સ્ટિંગ ઓપરેશન બાદ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટિંગ બાદ ત્રણેય આરોપીઓના ઘેર અને બિઝનેસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. હિરામણના ઘેરથી વોશિંગ મશીનની અંદરથી લેપટોપ મળી આવ્યું હતું. તપાસકર્તાઓએ કોર્ટને જણાવ્યું હતું કે કેસમાં વધુ ધરપકડ થઇ શકે છે કારણ કે તપાસ હાલ ચાલુ છે અને આરોપીઓની જાળ દેશની બીજી યુનિવર્સિટીમાં પણ ફેલાયેલી હોઇ શકે છે.