લંડન
વૈજ્ઞાનિકોએ આફ્રિકામાં મચ્છરોની નવી પ્રજાતિઓના આક્રમણની ચેતવણી આપી છે. તેમના માનવા પ્રમાણે 2022ના પ્રારંભમાં મેલેરિયાનો મોટો રોગચાળો ફાટી નીકળવા પાછળ મચ્છરની આ નવી પ્રજાતિઓ જવાબદાર હતી. વિશ્વમાંથી મેલેરિયા નાબૂદ કરવાના પ્રયાસોને મચ્છરની નવી પ્રજાતિઓના કારણે મોટો ફટકો પડે તેવી ચિંતા વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરાઇ છે.
એનેફિલિસ સ્ટિફેન્સી નામના મચ્છરની પ્રજાતિ મુખ્યત્વે ભારત અને પર્શિયન ગલ્ફમાં જોવા મળતી હતી પરંતુ તાજેતરમાં તે જિબૌતી, સુદાન, સોમાલિયા, યમન અને નાઇજિરિયામાં પણ જોવા મળી રહ્યાં છે. આફ્રિકાના દેશોમાં મેલેરિયાનો રોગચાળો ફરી એકવાર માથુ ઉંચકી રહ્યો છે અને તેના માટે મચ્છરોની આ પ્રજાતિને જવાબદાર માનવામાં આવી રહી છે. મેલેરિયા પર કામ કરતા વૈજ્ઞાનિક ફિટસમ તાડિસ્સીએ અમેરિકામાં સિએટલ ખાતે પોતાનું રિસર્ચ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ઇથિયોપિયામાં મેલેરિયાના રોગચાળા માટે આ બહારથી આવેલા મચ્છર જવાબદાર હતા. ડાયર દાવામાં મેલેરિયાના કેસમાં આવેલા ઓચિંતા ઉછાળાને પગલે તાડિસ્સી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. તેમણે શોધી કાઢ્યું હતું કે, રોગચાળા માટે બહારથી આવેલા મચ્છર જવાબદાર છે.
તેમને આફ્રિકામાં મેલેરિયાના પ્રસાર માટે જવાબદાર ગણાતા ઘણા મચ્છરની પ્રજાતિઓ મળી આવી નહોતી પરંતુ હવે આફ્રિકામાં ભારત અને પર્શિયન ગલ્ફના વિસ્તારોમાંથી આવેલા મચ્છરોની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ મચ્છરો જ આફ્રિકામાં મેલેરિયાના પુનઃપ્રસાર માટે જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.