મણિનગર: ઈસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નાઈરોબીમાં મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી સંતો અને ભક્તો સહિત પધાર્યા છે. સવા બે માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓનું વિચરણ રહેશે. પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીએ તાજેતરમાં કેન્યા એરવેઝમાં મુંબઈથી નાઈરોબી જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કર્યું હતું. સ્વામીનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, નાઈરોબીના હરિભક્તોએ એર પોર્ટ પર આચાર્ય સ્વામી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓને પોલીસ સુરક્ષા હેઠળ સ્વામીનારાયણ મંદિર સુધી લઈ જવાયા હતા.
વિશ્વભરમાં સુપ્રસિદ્ધ મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મધુર સુરાવલીથી આચાર્ય અને સંતો-હરિભક્તોનું સ્વાગત કર્યું હતું. એ પછી મંદિરના ગર્ભગૃહમાં સ્વામી -સંતો પધાર્યા હતા. ભૂલકાંઓએ સ્વાગત ગીત પર નૃત્ય રજૂ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. એ પછી કેક કટિંગ અને પ્રસાદ વગેરે કાર્યક્રમો યોજાયા હતા.