કમ્પાલાઃ આફ્રિકામાં મેલેરિયાની મુખ્ય દવાઓ પણ અસરકારક નહિ રહેતા તેના ફેલાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. એશિયાની માફક આફ્રિકામાં પણ 10માંથી એક બાળકને મેલેરિયાની જીવનવરક્ષક આર્ટેમિસિનિન અને લ્યૂમેફેન્ટ્રાઈન જેવી દવાઓ સામે ભારે પ્રતિકારની સાથે ગંભીર ચેપના લક્ષણો પણ જોવાં મળ્યાં છે. એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સમાં પેરેસાઈટ્સ, બેક્ટેરિયા અને ફંગાઈ જેવાં પેથોજન્સ તેમની સામે લડાઈમાં ઉપયોગમાં લેવાતી ડ્રગ્સની અસર રોકવાના માર્ગો વિકસાવે છે જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ છે. આના કારણે 2050 સુધીમાં 39 મિલિયનથી વધુ લોકો મોતનો શિકાર બનશે તેવી આગાહી કરવામાં આવી છે.
બાળકો મેલેરિયા સામે સૌથી નબળાં રહેવાથી દર વર્ષે સબ-સહારાન આફ્રિકામાં પાંચ વર્ષથી ઓછી વયનાં આશરે 450,000 બાળકો મોતને ભેટે છે. 100 બાળકો પર કરાયેલા અભ્યાસમાં 11 બાળકો પર દવાઓની અંશતઃ અસર થતી હોવાનું જણાયું હતું. આ બાળકોને જિનેટિક મ્યુટેશન્સ ધરાવતા મેલેરિયા પેરેસાઈટ્સનો ચેપ લાગ્યો હતો. વધુ 10 બાળકોમાં ચેપથી સાજા થવાનું જણાયું હતું પરંતુ, એક જ મહિનામાં આવા જ ચેપથી મેલેરિયાનો ઉથલો માર્યો હતો. આફ્રિકામાં બાળકોમાં મેલેરિયાના ચેપ અને દવાઓની ઓછી અસરકારતા સંબંધે આ પ્રથમ અભ્યાસને જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પ્રસિદ્ધ કરાયો છે.