આફ્રિકામાં લોકશાહીને સમર્થનમાં ઘટાડો

Tuesday 23rd July 2024 13:42 EDT
 

જોહાનિસબર્ગઃ આફ્રિકામાં લશ્કરી બળવા, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ભરડાથી અસંતોષ વચ્ચે લોકશાહીને સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, વિશ્વના અન્ય ઘણા ભાગની સરખામણીએ આફ્રિકન્સ લોકશાહી વહીવટને વધુ પસંદગી આપે છે. પાન-આફ્રિકન સર્વે સંસ્થા આફ્રોબેરોમીટરના રિપોર્ટ અનુસાર 2021 અથવા 2023માં કરાયેલા સર્વેઝ અનુસાર 30 આફ્રિકી દેશોમાં બે તૃતીઆંશ લોકો લોકશાહીની તરફેણ કરે છે પરંતુ, એક દાયકા અગાઉની સરખામણીએ સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. નબળી કામગીરી છતાં, લોકશાહીની તરફેણમાં ઝામ્બીઆ પ્રથમ, ઈથિયોપિયા દ્વિતીય અને સેનેગલ ત્રીજા સ્થાને છે.

‘બળવાખોરીના પટ્ટા’ તરીકે જાણીતા વેસ્ટ આફ્રિકા સહિત આફ્રિકામાં 2020 પછી આઠ સફળ લશ્કરી બળવા થયાં છે. આફ્રિકા ખંડના યુવા વર્ગ દ્વારા મોટા ભાગના દેશમાં નેતાઓ ભ્રષ્ટાચારી છે ત્યાં ટેક્સવધારા અને સબસિડીઓમાં કાપ સામે ભારે વિરોધ થતો રહ્યો છે. યુવા વર્ગ લશ્કરી શાસનને વધુ સપોર્ટ કરવા આગળ આવી રહેલ છે.

સાઉથ આફ્રિકામાં બેરોજગારી, નબળી જાહેર સેવા અને લાંચકૌભાંડો વચ્ચે લોકશાહીને સપોર્ટમાં 29 પર્સેન્ટેજ પોઈન્ટને તીવ્ર ઘટાડા સાથે લોકશાહીને 43 ટકા સપોર્ટ મળ્યો છે. માલીમાં 2020 અને 2021માં લશ્કરી બળવાઓ પછી લશ્કરી શાસન ચાલે છે ત્યાં માત્ર 39 ટકાએ લોકશાહીને સારી વહીવટી વ્યવસ્થા ગણાવી છે. માલીમાં દસકા અગાઉની સરખામણીએ લોકશાહીને સપોર્ટમાં 23 પર્સેન્ટેજ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે જ્યારે લશ્કરી શાસન પ્રત્યે અસંતોષ 70 ટકાથી ઘટી માત્ર 18 ટકા રહ્યો છે.

આફ્રિકા ખંડની સૌથી સ્થિર લોકશાહીઓ સાઉથ આફ્રિકા, બોટ્સવાના અને મોરેશિયસમાં લોકશાહી વ્યવસ્થાની કામગીરી સામે અસંતોષ વધ્યો છે. બીજી તરફ, ટાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે અને મોરોક્કો સહિત છ દેશના લોકો વર્તમાન લોકશાહીની કામગીરી માટે સંતોષ ધરાવે છે. ચૂંટાયેલી સરકારની નબળી કામગીરી છતાં, એશિયા, મિડલ ઈસ્ટ અને લેટિન અમેરિકાના લોકોની સરખામણીએ આફ્રિકન્સ લોકશાહીની વધુ તરફેણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter