નાઈરોબીઃ / કમ્પાલાઃ ઈન્ટરપોલ દ્વારા આફ્રિકામાં માત્ર બે મહિનાના ગાળામાં સાઈબરક્રાઈમના 1006 શકમંદની ધરપકડ કરાઈ છે. ઈન્ટરપોલ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર સાઈબરક્રાઈમના કારણે માનવ તસ્કરીના કેસીસ સહિત હજારો પીડિતો અને મિલિયન્સ ડોલર્સનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આફ્રિકન યુનિયન પોલીસ એજન્સી આફ્રિપોલના સહયોગ સાથે ઈન્ટરપોલ દ્વારા 19 આફ્રિકન દેશોમાં 2 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબરના સમયગાળામાં ઓપરેશન સેરેન્ગેટી હાથ ધરાયું હતું.
ઓપરેશનમાં રેન્સમવેર,બિઝનેસ ઈમેઈલ્સ સાથે ચેડાં કરવાની યોજનાઓ, ડિજિટલ ખંડણીઓ, મોટા પાયા પર ક્રેડિટ કાર્ડ છેતરપીંડી અને ઓનલાઈન ફ્રોડ સાથે સંકળાયેલા ક્રિમિનલ્સને લક્ષ્ય બનાવાયા હતા. ઈન્ટરપોલે વિશ્વભરમાંથી આશરે 193 મિલિયન ડોલર્સના કુલ આર્થિક નુકસાન સહન કરનારા 35,000 વિક્ટિમ્સની ઓળખ કરી હતી. કેન્યામાં પોલીસે લગભગ બે ડઝન લોકોની ધરપકડ કરી હતી જેઓ8.6 મિલિયન ડોલરની ઓનલાઈન ક્રેડિટ કાર્ડ છેતરપીંડી સાથે સંકળાયેલા હતા. સેનેગલમાં 6 મિલિયન ડોલરની ઓનલાઈન પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલા પાંચ ચાઈનીઝ નાગરિક સહિત આઠની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત, અંગોલા, નાઈજિરિયા અને કેમેરૂનમાં, માનવ તસ્કરી, ગેરકાયદે વર્ચ્યુઅલ કેસિનો સહિત ઈન્ટરનેશનલ અપરાધી ફ્રોડ નેટવર્ક્સ તેમજ ક્રિપ્ટોકરન્સી ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડને ખોરવી નખાયા હતા.