લંડન
આલ્બેનિયાની રાજધાની તિરાનામાં કેન્યાની એક યુવતી પર બળાત્કાર થતાં નાગરિકો અને સિવિલ સોસાયટીના એક્ટિવિસ્ટોએ સડકો પર ઉતરીને ધરણા પ્રદર્શનો કર્યાં હતાં. કેન્યાની વતની એવી 22 વર્ષીય જોય એઓકો તેના નિવાસસ્થાનની ઇમારતમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. દેખાવકારોએ યુવતી માટે ન્યાયની માગ કરી પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો.
એક્ટિવિસ્ટ હેની કરાજે જણાવ્યું હતું કે, શું પોલીસ અપરાધીઓ માટે જ કામ કરી રહી છે. પોલીસ બળાત્કારીઓને આશ્રય આપીને દેશભરમાં નબળા લોકો વિરુદ્ધ એક નવો ચીલો ચાતરી રહી છે. અમે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી અપરાધીઓને સજાની માગ કરી રહ્યાં છીએ. અમે આ યુવતીની વિદેશમાં ચાલી રહેલી સારવાર માટે આર્થિક સહાયની પણ માગ કરી રહ્યાં છીએ.
દેખાવોમાં ભાગ લઇ રહેલા વકીલ ઇડાજેત બેગિરીએ જણાવ્યું હતું કે, પોલીસ જે રીતે અપરાધીઓને છાવરી રહી છે તેની સામે ઘણો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. અપરાધીઓને છાવરવા એ પણ એક અપરાધ છે. આ આલ્બેનિયાની કાયદા અને વ્યવસ્થા માટે ઘણી શરમજનક સ્થિતિ છે. મહિનાઓ વીતી ગયા હોવા છતાં પોલીસે હજુ આ કેસ પણ નોંધ્યો નથી. પોલીસ આ અપરાધને છૂપાવી રહી છે. શું પોલીસ રંગભેદના આધારે કામ કરી રહી છે.
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી એક કેસિનો ડ્રાઇવર મારી દીકરીને સંબંધ બાંધવા પરેશાન કરી રહ્યો હતો. મેં તેને સમજાવ્યો હતો પરંતુ તે મારી દીકરીને ધમકીઓ આપી રહ્યો હતો. 22 વર્ષીય બળાત્કાર પીડિતાની છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવા છતાં તેની સ્થિતિ ગંભીર છે.