માલાબાઃ સેન્ટ્રલ આફ્રિકાના ટચૂકડા ઇકવેટોરિયલ ગિની દેશમાં કોરોનાથી પણ ૧૦ ગણા શકિતશાળી મારબર્ગ વાઈરસના સંક્રમણથી ઓછામાં ઓછાં ૯ લોકોના મોત થયાના અહેવાલ છે. ખતરનાક મારબર્ગ વાઈરસથી સંક્રમિત ૮૮ ટકા દર્દી જીવ ગુમાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ઈબોલા સાથે સંકળાયેલા આ વાઈરસના ફેલાવા અંગે ચિંતા દર્શાવી છે.
સૌપ્રથમ આ વાઈરસ 1967માં ઓળખાયો હતો. તેના લક્ષણોમાં ભારે તાવ, તીવ્ર બેચેની, લોહીની ઉલટી અને માથાના દુઃખાવાનો સમાવેશ થાય છે.
ગત સપ્તાહ દેશના મધ્ય પશ્ચિમી કાંઠે ગેબોન અને કેમરુનની સીમા પાસે ગાઢ જંગલોવાળા પૂર્વી વિસ્તારમાં હેમોરેજિક તાવના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરાયા પછી ૩ લોકોમાં આ વાયરસના હળવા લક્ષણો દેખાયા હતા. જોકે, વાઈરસના સંક્રમણથી એક સાથે ૯ ના મોત થવાથી સરકાર સફાળી જાગી છે. સંક્રમણને અટકાવવા કેઈન્ટેમ પ્રાંતમાં 200થી વધુ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
ઇબોલા વાઈરસ ફેમિલીનો આ વાઈરસ ચામાચીડિયા સહિત પ્રાણીઓ મારફત માણસોમાં ફેલાય છે. આ વાઈરસની કોઈ વેક્સિન કે સારવાર શોધાઈ નથી. વાઈરસના સંક્રમણ પછી બચવાની શકયતા ઓછી રહે છે પરંતુ, વધુમાં વધુ પ્રવાહી આપવાની રિહાઈડ્રેશન સારવારથી રાહત મળવા સાથે બચવાની શક્યતા વધે છે.
2004માં અંગોલામાં 252 લોકો મારબર્ગ વાઈરસ રોગચાળામાં સંક્રમિત થયા હતા જેમાંથી 90 ટકાના મોત થયા હતા. ગયા વર્ષે ઘાનામાં પણ આ વાઈરસથી બે મોત થયા હતા. અગાઉ, DRકોંગો, ગિની, કેન્યા, યુગાન્ડા અને સાઉથ આફ્રિકામાં પણ છૂટાછવાયા કેસ નોંધાયા હતા.