લંડન
ઇથિયોપિયામાં રાજકીય અને વંશીય કટોકટી ઘેરી બની રહી છે. વડાપ્રધાન એબી એહમદના વતન ઓરોમિયામાં ઓરોમો લિબરેશન આર્મીના બળવાખોરોનું પ્રભુત્વ વધતાં દેશ ઘેરી કટોકટીમાં સપડાઇ ગયો છે. તાજેતરમાં જ ઓરોમો લિબરેશન આર્મીના બળવાખોરોએ ઓરોમિયાના સંખ્યાબંધ શહેરો પર હુમલા કરી ત્યાં નવા બળવાખોરોની નિયુક્તિ માટે કાર્યક્રમો યોજ્યા હતા. અત્યાર સુધી આ શહેરો બળવાખોરોની પહોંચીની બહાર હતાં. સરકારે આ કટોકટી નિવારવા વધુ સુરક્ષા દળો અને ડ્રોન આ વિસ્તારોમાં મોકલી આપ્યાં છે.
બીજીતરફ ઓરોમો બળવાખોરો સામે લડવા પ્રતિસ્પર્ધી વંશીય સમુદાય અમ્હારાના લડાકુઓ પણ ઓરોમિયાના શહેરો સુધી પહોંચી રહ્યાં છે. ઓરોમો લિબરેશન આર્મી પોતાને ઓરોમો રાષ્ટ્રવાદના પ્રણેતા તરીકે રજૂ કરી રહ્યાં છે. થોડા વર્ષો પહેલાં ઇથિયોપિયાની રાજનીતિમાં ઓરોમો સમુદાયને કોઇ મહત્વ અપાતું નહોતું.
ઇથિયોપિયન માનવ અધિકાર પંચે જણાવ્યું છે કે ઓરોમિયામાં છેલ્લા પાંચ મહિનામાં સેંકડો લોકોની નિર્દયી હત્યા કરી નાખવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના જણાવ્યા અનુસાર 10 લાખ કરતાં વધુ લોકોને તેમના ઘરો છોડીને નાસી છૂટવાની ફરજ પડી છે. જોકે આ સંઘર્ષમાં સામેલ તમામ પક્ષો માનવ અધિકાર ઉલ્લંઘનનો ઇનકાર કરી રહ્યાં છે.