લંડન
ઇસ્ટ આફ્રિકાના સાત દેશોના લોકો એકબીજાના પ્રદેશમાં મુક્ત રીતે અવરજવર કરી શકે તે માટેના એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરાયા છે. ઇસ્ટ આફ્રિકાની ઇન્ટરગવર્મેન્ટલ ઓથઓરિટી ઓન ડેવલપમેન્ટ (IGAD) દ્વારા ગયા સપ્તાહમાં આ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાયા હતા. સુદાનની રાજધાની ખાર્ટુમમાં આયોજિત બેઠકમાં ઇસ્ટ આફ્રિકાના આઠ દેશના પ્રતિનિધિઓ સામેલ થયાં હતાં.
બેઠક બાદ આયોજિત પત્રકાર પરિષદમાં IGADના સેક્રેટરી ડો. વર્કનેહ ગેબેયેહૂએ જણાવ્યું હતું કે, બેઠકમાં હાજર રહેલા 7 દેશના પ્રતિનિધિઓએ ફ્રી મૂવમેન્ટ ઓફ પીપલ એગ્રીમેન્ટ અને ટ્રાન્સ હ્યુમન પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ બેઠકમાં યુગાન્ડાના પ્રતિનિધિ ગેરહાજર રહ્યાં હતાં. કરાર પર હસ્તાક્ષર બંધ બારણે યોજાયેલી બેઠકમાં કરાયા હોવાથી ગેબેયેહૂએ બંને કરાર અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ તેમણે જણાવ્યું હતું કે, ઇસ્ટ આફ્રિકા માટે આ એક મહત્વની સિદ્ધી છે.
IGADની આ બેઠકમાં જિબૌતી, ઇરિટ્રિયા, ઇથિયોપિયા, કેન્ટા, સોમાલિયા, સાઉથ સુદાન અને સુદાનના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. હવે પછીની બેઠક 2023માં જિબૌતી ખાતે યોજાશે.