લંડન
દુકાળના ખપ્પરમાં હોમાયેલા ઇસ્ટ આફ્રિકાના દેશોને અપાતી મદદમાં વધારો કરવા બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકને અપીલ કરવામાં આવી છે. બ્રિટનના બે પૂર્વ વિદેશ મંત્રી અને 14 અગ્રણી એઇડ એજન્સીના વડાઓએ વડાપ્રધાન રિશી સુનાકને સંયુક્ત પત્ર લખીને સોમાલિયા, ઇથિયોપિયા અને કેન્યામાં દુકાળનો સામનો કરી રહેલા 28 મિલિયન લોકોને મદદમાં તાત્કાલિક વધારો કરવાની અપીલ કરી છે.
તેમણે જણાવ્યું છે કે દુકાળના કારણે આ દેશોમાં દર 36 સેકન્ડે એક માનવીનું મોત થઇ રહ્યું છે તેમ છતાં બ્રિટન દ્વારા આ દેશોમાં અપાઇ રહેલી મદદ 2017માં અપાયેલી મદદના ફક્ત 20 ટકા જેટલી છે. આ 3 દેશોમાં 70 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે.
પત્રમાં હિલેરી બેન અને ક્લેર શોર્ટે ચેતવણી આપી છે કે ઇસ્ટ આફ્રિકા ભયાનક ભૂખમરાનો સામનો કરી રહ્યું છે. સતત પાંચમુ ચોમાસુ નિષ્ફળ જવાના કારણે લાખો પરિવારો ભૂખમરામાં ધકેલાઇ ગયાં છે. જોકે હજુ આ દેશોમાં સત્તાવાર દુકાળની જાહેરાત કરાઇ નથી પરંતુ સ્થિતિ ભયજનક બની ગઇ છે. મોટી સંખ્યામાં લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં હોવા છતાં આંતરરાષ્ટ્રીય મદદ ઘણી ઓછી છે. બ્રિટન પણ મદદ પૂરી પાડવામાં નિષ્ફળ ગયો છે.
બ્રિટનમાં ઘરઆંગણાની આર્થિક મુશ્કેલીઓના કારણે સરકારે વિદેશોને અપાતી સહાયમાં મોટો કાપ મૂકી દીધો છે. તેમ છતાં આ વર્ષમાં બ્રિટન દ્વારા ઇસ્ટ આફ્રિકાના દેશોને 156 મિલિયન પાઉન્ડની સહાય અપાઇ છે. જોકે આ સહાય 2017-18માં અપાયેલી 861 મિલિયન પાઉન્ડની સહાયના ફક્ત 18 ટકા જેટલી છે.