કેરોઃ જાન્યુઆરીની શરૂઆતમાં કોર્ટના ક્લાર્ક્સ સાથે બોલાચાલી થયા પછી 6 વકીલોને જેલભેગા કરાયાથી ઈજિપ્શિયન બાર એસોસિયેશન દ્વારા 19 જાન્યુઆરીએ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરાઈ છે. સજા કરાયેલા વકીલોએ આ ચુકાદા સામે કોર્ટમાં અપીલ પણ કરી છે.
મારસા માટ્રોહ (નોર્થ-વેસ્ટ)ની ક્રિમિનલ કોર્ટે બુધવાર 18 જાન્યુઆરીએ 6 વકીલને બે વર્ષની જેલની સજા ફરમાવી હતી. સરકારી દૈનિક અલ-અહરામના રિપોર્ટ અનુસાર 5 જાન્યુઆરીએ કોર્ટના ત્રણ ક્લાર્ક્સ અને વકીલો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. બાર એસોસિયેશને અચોક્કસ મુદત સુધી તમામ કાનૂની કામગીરી બંધ કરી કોર્ટ્સમાં હાજરી નહિ આપવા તેમજ પ્રોસીક્યુશનની તપાસોમાં ભાગ નહિ લેવાની જાહેરાત કરી છે. વકીલોએ જણાવ્યું હતું કે યોગ્ય તપાસ વિના ટ્રયલ ચલાવાઈ છે અને તેમને કસ્ટડીમાં મૂકાયા છે તે વાજબી નથી.
અગાઉ, ડિસેમ્બર 2022માં હજારો ઈજિપ્શિયન વકીલોએ ફાઈનાન્સ મિનિસ્ટ્રી દ્વારા અમલી બનાવાયેલી નવી ઈલેક્ટ્રોનિક બિલિંગ સિસ્ટમ વિરુદ્ધ વિરોધ કરવા સેન્ટ્રલ કેરોમાં તેમના યુનિયનના વડા મથકની બહાર દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈજિપ્તમાં જાહેર દેખાવો કે વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકાયેલો છે.