લુઆન્ડા,એમ્સ્ટર્ડેમઃ અંગોલાના દિવંગત પૂર્વ પ્રેસિડેન્ટ જોસ એડુઆર્ડો દોસ સાન્ટોસની 50 વર્ષીય પુત્રી ઈઝાબેલ દોસ સાન્ટોસે અગોલાની નેશનલ ઓઈલ કંપનીમાંથી 52.6 મિલિયન યુરોની ઉચાપત કરી હોવાનો ચુકાદો એમ્સ્ટર્ડેમ કોર્ટ ઓફ અપીલ સાથે સંકળાયેલી સંસ્થા ચેમ્બર ઓફ કંપનીઝ દ્વારા અપાયો છે. આફ્રિકાની સૌથી ધનવાન મહિલા ગણાવાયેલી ઈઝાબેલ વિરુદ્ધ શ્રેણીબદ્ધ ચુકાદાઓમાં 15 જૂનનો આ નવો ચુકાદો છે. ઈઝાબેલ દોસ સાન્ટોસે તેના પતિની સહમાલિકીની ડચ કપની એક્ઝેમ એનર્જી બીવીમાં આ નાણા મોકલ્યાં હતા. ઈઝાબેલે જુલાઈ 2022માં મૃત્યુ પામેલા તેના પિતા જોસ એડુઆર્ડો દોસ સાન્ટોસના 40 વર્ષના શાસનકાળમાં સરકારીી કંપનીઓમાંથી બિલિયન્સ ડોલર્સની ઉચાપતો કરી હોવાનો આરોપ છે જેનો તે સતત ઈનકાર કરી રહી છે.