એડિસ અબાબાઃ ઈથિયોપિયાના ટાઈગ્રેમાં લાખો લોકો સહાયની રાહ જોવામાં મોતનો સામનો કરી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત દેશમાં મહિનાઓ સુધી અન્નસહાય પહોંચતી ન હોવાથી દુકાળ જેવી હાલત છે. હકીકત એ છે કે જે પરિવારની કોઈ વ્યક્તિ યુદ્ધપ્રયાસોમાં જોડાઈ હોય ત્યાં થોડા કિલો ઘઉં મોકલાય છે પરંતુ, અન્ય લોકો અનાજ વિના ટળવળે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેડરોસ ગેબરેયસના જણાવ્યા અનુસાર લાખો લોકોનું આરોગ્ય ભારે જોખમમાં છે તેવા ટાઈગ્રે કરતાં ખરાબ હાલત વિશ્વમાં કોઈ સ્થળે નથી. યુએસ સત્તાવાળાના અંદાજો મુજબ ટાઈગ્રેની 80 ટકા વસ્તી ફૂડની દૃષ્ટિએ અસલામત છે. નવેમ્બર 2020માં યુદ્ધ ફાટી નીકળ્યું તે પહેલા આ સંખ્યા 15 ટકા હતી. કુપોષણનો દર પાંચ વર્ષથી નીચેના બાળકોમાં વધીને 13 ટકા થયો છે જ્યારે સગર્ભા અને ધવડાવતી મહિલાઓમાં આ દર 60 ટકાથી વધુ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ ફૂડની કિંમતો બમણી થઈ છે અને કેટલાક કિસ્સામાં 400 ટકા સુધી વધી છે. લોકો પશુધન વેચી, ભીખ માગી, આરોગ્ય અને શિક્ષણના ખર્ચામાં કાપ મૂકી હાલતને કામચલાઉ સુધારવા પ્રયાસ કરી રહ્યા છે. દક્ષિણમાં અફાર અને અમ્હારા વિસ્તારોમાં સરકાર સામે લડી રહેલા ટાઈગ્રે દળોને મોકલાતા સપ્લાયની અસર આ લોકોને થાય છે.
રાહત કામગીરીમાં સંકળાયેલા અમેરિકી અધિકારી અનુસાર ટાઈગ્રેની 5.5 મિલિયનની વસ્તી ચોતરફથી સરકારી બ્લોકેડથી ઘેરાયેલી છે અને આશરે 700,000 લોકો દુકાળ જેવી હાલતમાં છે. ડિસેમ્બરની મધ્ય પછી ટાઈગ્રેના વિસ્તારોમાં સહાયની એક પણ ટ્રક આવી નથી. યુએન કહે છે કે તેણે માર્ચની મધ્ય સુધીમાં 333 ટન અનાજ મોકલ્યું છે. જોકે, હાલતમાં કોઈ સુધારો થયો નથી.