એડિસ અબાબાઃ ઈથિયોપિયાના રીલિફ ચીફ મિટિકુ કાસ્સાને ભ્રષ્ટાચારના આરોપો બદલ જેલ ભેગા કરી દેવાયા હોવાનું ફેડરલ પોલીસ દ્વારા જણાવાયું છે. કાસ્સા ઈથિયોપિયા નેશનલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કમિશન (NDRMC)ના ડેપ્યુટી કમિશનર છે જેમની 13 જુલાઈ બુધવારે ધરપકડ કરાઈ હતી. તેમણે સ્થાનિક બિનસરકારી સંસ્થાના વડા સાથે મળી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરોપો મૂકાયા છે.
ફેડરલ પોલીસના ભ્રષ્ટાતાર અપરાધ તપાસવિભાગના ડેપ્યુટી કમિશનર ટાડેશી આયાલેવે જણાવ્યું હતું કે કાસ્સાએ દેશના ચાર અલગ વિસ્તારોમાં અસ્તિત્વ નહિ ધરાવતા વિસ્થાપિતો માટે રાહતનો ખોરાક અને કપડાં મેળવવા અને તેને વેચી કાઢવા એલ્શાડાઈ રીલિફ એન્ડ ડેવલપમેન્ટ એસોસિયેશનના વડા સાથે મળી કૌભાંડ આચર્યું હતું. આ ભંડોળનો ઉપયોગ કાસ્સા માટે ઘર ખરીદવામાં કરાયો હોવાનું કહેવાય છે.