એડિસ અબાબાઃ ઈથિયોપિયામાં અન્ન કટોકટીએ માઝા મૂકી છે. ઈથિયોપિયન ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કમિશન (DRMC) અને યુનાઈટેડ નેશન્સ રેસિડેન્ટ એન્ડ હ્યુમેનિટેરિયન કોઓર્ડિનેટર અનુસાર દેશના દુકાળગ્રસ્ત વિસ્તારો આફાર, અમ્હારા ટિગ્રે, ઓરોમીઆ, સાઉથવેસ્ટમાં આશરે 4 મિલિયન ઈથિયોપિયન લોકો અનાજ અને પાણી વિના ટળવળી રહ્યા છે. વરસાદના સતત અભાવથી અનાજ પાકતું નથી અને પશુધન પણ મરી રહ્યું છે.
મેલેરિયા, ઓરી-અછબડા અને કોલેરા જેવા પાણીજન્ય રોગોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. જુલાઈથી ડિસેમ્બર 2023ના ગાળામાં 7.3 મિલિયન લોકોને સરકાર તરફથી અન્નસહાય અપાઈ હતી. આ ઉપરાંત, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને કેથોલિક રીલિફ સર્વિસીસ દ્વારા અતિ દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વધુ 6.5 મિલિયન લોકોને સહાય અપાઈ છે. આમ છતાં, આગામી મહિનાઓમાં આશરે 4 મિલિયન લોકોને તાકીદે સહાયની આવશ્યકતા છે.