એડિસ અબાબાઃ સાઉથ ઈથિયોપિયાના અંતરિયાળ કેન્ચો શાચા ગોઝ્ડી ડિસ્ટ્રિક્ટના ગોફા ઝોન વિસ્તારમાં રવિવારે ભારે વરસાદ પછી 22 જુલાઈ સોમવારે વિનાશક ભૂસ્ખલનો થતાં 257 લોકોના મોત નીપજ્યા હતા. મોટા ભાગના મૃતકો પહેલા ભૂસ્ખલનમાં ફસાયેલા લોકોને બચાવવા જતાં કાદવમાં દટાઈ ગયા હતા. યુએનના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા 500થી વધી શકે છે કારણકે સંખ્યાબંધ લોકો હજુ લાપતા છે. દટાયેલા લોકોને બચાવવા અને મૃતદેહોને શોધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક લોકો ખુલ્લા હાથ અને પાવડાની મદદથી કાદવના દરિયાને ઉલેચવાના કામે લાગી ગયા હતા. ઈથિયોપિયાના પ્રાઈમ મિનિસ્ટર એબી અહમદે આ દુર્ઘટના વિશે ઊંડો શોક અને આઘાત વ્યક્ત કર્યો હતો.
મૃતકોમાં મહિલાઓ, બાળકો, તથા સ્થાનિક પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સભ્યોનો સમાવેશ થાય છે. યુએનની માનવતાવાદી એજન્સી OCHAએ સ્થાનિક સત્તાવાળાને ટાંકી મૃતકોની સંખ્યા 500થી વધી જવાની આશંકા વ્યક્ત કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે વધુ લેન્ડસ્લાઈડ્સનો ભય હોવાથી 1,320 નાના બાળકો અને 5,293 સગર્ભાઓ અને નવી માતાઓ સહિત 15,000થી વધુ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરાવવું પડશે. ઈથિયોપિયન રેડ ક્રોસ સોસાયટી અને યુએન એજન્સીઓ સહિત સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તો માટે જીવનરક્ષક દવાઓ,ખોરાક સહિત આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડાઈ રહ્યો છે.
દક્ષિણ ઈથિયોપિયા પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનનો વિસ્તાર ઢોળાવવાળો અને દુર્ઘટનાઓનું જોખમ ધરાવતો હતો. ભૂસ્ખલનો વખતે આ વિસ્તારને સુરક્ષિત બનાવવા વૃક્ષારોપણ સહિતની કામગીરી પણ ચાલી રહી હતી. મે મહિનામાં પણ આ વિસ્તારમાં લેન્ડસ્લાઈડની ઘટનામાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા. 2017માં એડિસ અબાબાની બહાર ડમ્પસાઈટમાં કચરાનો વિશાળ ઢગલો ધસી પડવાથી 113 લોકોના મોત થયા હતા. આફ્રિકામાં સૌથી વિનાશક લેન્ડસ્લાઈડ 2017ના ઓગસ્ટમાં સીએરા લીઓનની રાજધાની ફ્રીટાઊન ખાતે સર્જાયો હતો જેમાં 1,141 લોકોના મોત નીપજ્યા હતા. પૂર્વીય યુગાન્ડાના માઉન્ટ એલગોન વિસ્તારમાં 2010ના ફેબ્રુઆરીમાં ભૂસ્ખલનોથી 350થી વધુ લોકોના મોત થયા હતા.