જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રોસિક્યુટર્સે ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચારની જાળના કેન્દ્રમાં રહેલા ભારતમાં જન્મેલા ગુપ્તા બંધુઓ - અજય, અતુલ અને રાજેશ - ના પ્રત્યર્પણના પ્રયાસમાં એક મહત્ત્વના પગલાંની જાહેરાત કરી હતી. તેઓ ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના શાસનમાં સરકારી સંપતિની ઉચાપત અંગે લાંબા સમયથી ચાલતી તપાસના કેન્દ્રમાં છે.
પ્રોસિક્યુશન ઓથોરિટીના ચીફ ઈન્વેસ્ટિગેટર હર્મિઓન ક્રોન્યેએ જણાવ્યું હતું કે ઈન્ટરપોલે બે ભાઈઓ અતુલ અને રાજેશ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી છે. આ રેડ નોટિસ અતુલ ગુપ્તાની પત્ની ચૈતાલીને પણ લાગૂ પડે છે.
દશ્રિણ આફ્રિકાના એન્ટિ કરપ્શન વોચડોગના ભ્રષ્ટાચારના ૨૦૧૬ના રિપોર્ટમાં આ ત્રણે ભાઈ કેન્દ્રમાં છે.સરકારી કોન્ટ્રાક્ટ્સ અને નિમણુંકોના બદલામાં તેમણે લાંચ ચૂકવી હોવાનો દાવો કરાયો છે. ૨૦૧૮માં જ્યુડિશિયલ કમિશનની કામગીરી શરૂ થતાં જ તેઓ દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયા હતા અને હાલ તેઓ યુએઈમાં હોવાની શંકા છે.
૨૦૧૯માં યુએસ ટ્રેઝરીએ ગુપ્તા બંધુઓ પર પ્રતિબંધો લાદ્યા હતા અને યુએસ જ્યુરિસ્ડિક્શન હેઠળ આવતી તેમની તમામ સંપતિ ફ્રીઝ કરી દીધી હતી અને અમેરિકનો તથા ખાસ કરીને યુએસ ઓપરેશન્સ સાથેની આંતરરાષ્ટ્રીય બેંકોને તેમની સાથે લેવડદેવડ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગયા મહિને દક્ષિણ આફ્રિકાએ જણાવ્યું હતું કે તે યુએઈ સાથે પ્રત્યર્પણ સંધિ કરવાની નજીક છે.
ત્રીજા ભાઈ અજયનો રેડ નોટિસમાં ઉલ્લેખ કરાયો નથી. તે અલગ કેસમાં છે.
એગ્રીકલ્ચરલ ફિઝીબીલીટી સ્ટડી હાથ ધરવા માટે ગુપ્તા સાથે સંકળાયેલી ન્યુલેન ઈન્વેસ્ટમેન્ટ નામની કંપનીને અપાયેલા ૨૫ મિલિયન રેન્ડ (૧.૭૬ મિલિયન ડોલર)ના કોન્ટ્રાક્ટના સંદર્ભમાં અતુલ અને રાજેશ ગુપ્તાની શોધ ચાલી રહી છે.