કમ્પાલાઃ દેશો કરવેરા દ્વારા તેમની આવક વધારવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે નવા ટેક્સ ઈન્ફર્મેશન શેરિંગ નિયમો અમલી બનતાં મલ્ટિનેશનલ કંપનીઓને હવે કરચોરી કરવાનું મુશ્કેલ બની જશે. કરચોરીને ડામવામાં મદદરૂપ થવા માટે ગયા મહિને ટેક્સ ઈન્ફર્મેશન શેરિંગ મેન્યુઅલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ બેંક, આફ્રિકન ડેવલપમેન્ટ બેંક, ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો - ઓપરેશન એન્ડ ડેવપમેન્ટ (OECD) અને ગ્લોબલ ફોરમ ઓન ટ્રાન્સપરન્સી દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત આ મેન્યુઅલમાં દુનિયાભરમાં સંકળાયેલી ટેક્સ એજન્સીઓના કર્મચારીઓ દ્વારા કરવેરાની ગુપ્ત માહિતી લીક કરવા બદલ દંડની જોગવાઈ છે. તેમાં એક જ ટેક્સપેયર પર વિવિધ દેશોમાં એકસાથે ટેક્સ ઓડિટની પણ જોગવાઈ છે. આ મેન્યુઅલથી કેટલાંક દેશોમાં ટેક્સ અવોઈડન્સ સ્કીમમાં સક્રિય મલ્ટિનેશનલ્સને ઝડપવામાં મદદ મળશે.
યુગાન્ડાના નાણાં મંત્રાલયમાં ઈકોનોમિક અફેર્સના ડિરેક્ટર મોસીસ કગાવાના જણાવ્યા મુજબ યુકેમાં બિઝનેસ માટે જતો યુગાન્ડન તેના વ્યવહારો અંગે યુગાન્ડા રેવન્યુ ઓથોરિટીને જાણ કરી શકે નહીં. પરંતુ, બ્રિટિશ ટેક્સ ઓથોરિટી પાસે માહિતી માગવામાં ન આવે તો પણ તે વ્યક્તિ સંબંધિત માહિતી યુગાન્ડાના તેના સમકક્ષને આપશે. આ જ નિયમ યુગાન્ડામાં બિઝનેસ કરતા બ્રિટિશ ઈન્વેસ્ટરને લાગૂ પડશે.
તેને લીધે કોઈક દેશમાં વ્યાજની આવક કમાઈને પોતાના દેશમાં તેને ડિવિડન્ડ તરીકે જાહેર કરવાના કિસ્સા સંપૂર્ણપણે બંધ થશે.૨૦૦૯થી ૨૦૨૦ વચ્ચે ગ્લોબલ ફોરમના સભ્યો પાસેથી ૩૦૦,૦૦૦થી વધુ ટેક્સ ઈન્ફર્મેશન શેરિંગ વિનંતી મળી હતી. જ્યારે ૨૦૧૯માં એક કાર્યવાહીની ટેક્સ ઈન્ફર્મેશનના ઓટોમેટિક આદાન – પ્રદાનમાં સંકળાયેલા ૧૦૦ દેશોને લીધે ૮૪ મિલિયન ફાઈનાન્સિયલ અકાઉન્ટ્સ પર અસર થઈ હતી અને ૧૦ ટ્રિલિયન યુરો ($૧૧.૭ ટ્રિલિયન) ના મૂલ્યની એસેટ્સ ઝડપાઈ હતી.