લંડનઃ યુક્રેન યુદ્ધ તેમજ માર્ચ મહિનામાં વરસાદના અભાવના કારણે ફૂડ અને કોમોડિટીના ભાવમાં અસહ્ય વધારાના પરિણામે ઈસ્ટ આફ્રિકાના દેશોમાં આશરે 28 મિલિયન લોકોએ વિકરાળ ભૂખમરાની હાલતનો સામનો કરવો પડશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય યોગ્ય પ્રતિભાવ આપી શકશે નહિ તેવી ચેતવણી નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ઓક્સફામે આપી છે. ઈસ્ટ આફ્રિકાના દેશો તેમના ઘઉંનો 90 ટકા સુધીનો જથ્થો યુક્રેન અને રશિયા પાસેથી મેળવે છે. કેન્યા, સોમાલિયા, ઈથિયોપિયા 40 વર્ષમાં સૌથી સૂકી આબોહવા અનુભવી રહ્યા છે જ્યારે સાઉથ સુદાન ભારે પૂરનો સામનો કરે છે.
ઓક્સફામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગેબ્રિએલા બૂચરે જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષની વૈશ્વિક ફૂડ સિસ્ટમ પર અસરો અનુભવાઈ રહી છે પરંતુ, સૌથી ગરીબ અને નિર્બળ લોકોએ સૌથી વધુ સહન કરવું પડશે. લાખો લોકો કિંમતોમાં વધારાનો સામનો કરી રહ્યા છે અને સહાયની તીવ્ર અછત પરિસ્થિતિ વણસાવશે. યુએન દ્વારા ઈથિયોપિયા, સોમાલિયા અને સાઉથ સુદાનને માનવતાવાદી સહાય માટે 6 બિલિયન ડોલર (4.5 બિલિયન પાઉન્ડ)ની સહાયની અપીલ કરાઈ હતી તેમાંથી માત્ર 3 ટકા ભંડોળ પ્રાપ્ત થયું છે.