લંડન
પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવા જઇ રહેલા ઉત્તર કેન્યાના મતદારો છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં પડેલા દારૂણ દુકાળનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં વરસાદનો એક છાંટો પડ્યો નથી અને લોકો જંગલી છોડ ખાઇને ભૂખમરાથી બચવા પ્રયાસો કરી રહ્યાં છે. લોકા મેતિર નામની મહિલા તેના પાંચ સંતાનોને ભોજનમાં જંગલી વનસ્પતિ આપી રહી છે. તે સારી રીતે જાણે છે કે આ ખાવાથી તેના બાળકો બિમાર પડી શકે છે પરંતુ તે કહે છે કે જીવતા રહેવા માટે અમારી પાસે આના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. હોર્ન ઓફ આફ્રિકાના નામે આળખાતા આ પ્રદેશમાં છેલ્લા 40 વર્ષનો સૌથી દારૂણ દુકાળ પ્રવર્તી રહ્યો છે. ઓછામાં ઓછા 1 કરોડ 80 લાખ લોકો ભયાનક ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. કેન્યામાં ઓછામાં ઓછા 40 લાખ લોકોને એક ટાઇમ ભૂખ્યા સૂઇ જવાની ફરજ પડે છે. જૂન મહિનાના આંકડા અનુસાર કેન્યાના ઉત્તરના રણપ્રદેશોમાં પાંચ વર્ષથી નાના 9,50,000 બાળકો અને 1,34,000 ગર્ભવતી મહિલાઓ ગંભીર કુપોષણથી પીડાઇ રહ્યાં છે. ઉત્તર કેન્યામાં આવેલી 3 કાઉન્ટીમાં લોકો ભૂખમરાની કગાર પર પહોંચી ગયાં છે. કોરોના મહામારીમાં પાટા પરથી ઉતરી ગયેલા પૂર્વ આફ્રિકાના સૌથી મોટા અર્થતંત્રને ઉત્તરના પ્રદેશોમાં દુકાળના કારણે મોટો ફટકો પડી રહ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને કારણે કેન્યાને પુરતા પ્રમાણમાં ખાદ્યાન્ન ઉપલબ્ધ થઇ રહ્યું નથી. કેન્યામાં 9મી ઓગસ્ટે પ્રમુખપદની ચૂંટણી યોજાનારી છે ત્યારે તેના ઉમેદવારોના એજન્ડામાં દુકાળનું કોઇ નામોનિશાન નથી. નાયરોબીમાં અર્થશાસ્ત્રી તિમોથી નિઆગી જણાવે છે કે, ઉત્તર કેન્યામાં પ્રવર્તી રહેલા દુકાળને નેતાઓએ પરદા પાછળ ધકેલી દેવાનું કામ કર્યું છે. આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી યોજાઇ રહી હોવાથી અમારી ધારણા હતી કે દુકાળનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે. સતત ચાર વર્ષ વરસાદ ન થવાના કારણે આ વિસ્તારમાં ભયંકર દુકાળ ચાલી રહ્યો છે. નદીઓ અને કૂવા સૂકાઇ ગયાં છે. ઘાસના મેદાનો રેતીના મેદાનો બની ગયાં છે. જેના કારણે 15 લાખ પશુના મોત નિપજી ચૂક્યાં છે.
જનતાની ધમકી, નો ફૂડ નો ઇલેક્શન
કેન્યામાં મોંઘવારી માઝા મૂકી રહી છે. મોટા શહેરોમાં પણ મોંઘવારીના કારણે લોકો પુરતા પ્રમાણમાં ખોરાક ખરીદી શક્તા નથી. હવે લોકો ધમકી ઉચ્ચારી રહ્યાં છે કે જો અમને ખોરાક નહીં મળે તો અમે દેશમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવા દઇશું નહીં. સરકાર ખાદ્યપદાર્થો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહીં કરે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું.
દુષ્કાળપીડિતોનો ચિત્કાર.. અમે મરી રહ્યાં છીએ
ઉત્તર કેન્યામાં પ્રવર્તી રહેલા ભયંકર દુકાળ પર આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આંખ આડા કાન કરી રહ્યો છે. યુક્રેન માટેની સહાયમાં 86 ટકાનો વધારો કરાયો છે પરંતુ કેન્યાના દુષ્કાળ પીડિતો માટે નક્કી કરાયેલી કુલ સહાયના ફક્ત 17 ટકા સહાય જ ચૂકવવામાં આવી છે. એક એનજીઓના જણાવ્યા અનુસાર અમે અમારા પાસે ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી દુકાળપીડિતોને જે સહાય આપી રહ્યાં છીએ તે તો ડોલમાં એક પાણીના ટીપા જેવી છે. કેન્યાની સરકાર કહે છે કે સપ્ટેમ્બરમાં આ દુકાળને રાષ્ટ્રીય હોનારત જાહેર કરાયો ત્યારથી 9 બિલિયન કેન્યન સિલિંગનો ખર્ચ કરાયો છે. લોકો સુધી કોઇ મદદ પહોંચી રહી નથી અને તેઓ ચિત્કારી રહ્યાં છે કે અમે મરી રહ્યાં છીએ.